કોરોના કહેર વચ્ચે તાવ અને ઝાડાઉલ્ટીના કેસ ઘટ્યા : ત્રણ મહિનામાં ઝેરીમેલેરિયાના ઝીરો કેસ
તાવ અને ઝાડાઉલ્ટીના કેસની કોરોનામાં ગણતરી કરી હોવાની શંકા : સુરેન્દ્રબક્ષી
અમદાવાદ (દેવેન્દ્ર શાહ) અમદાવાદ શહેરમાં ત્રણ મહિનાથી કોરોનાનો કહેર છે. શહેરમાં કોરોનાના 16 હજાર કરતા વધારે કેસ નોંધાયા છે. જયારે બીજી તરફ મેલેરિયા, ઝેરી મેલેરિયા, ઝાડાઉલટી જેવા મચ્છર અને પાણીજન્ય રોગના કેસમાં અસામાન્ય ઘટાડો મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયો છે મનપા ઘ્વારા પાણી અને મચ્છરજન્ય રોગના જે આંકડા નોંધવામાં આવ્યા છે તે ગળે ઉતરે તેમ નથી તેમજ તાવ અને ઝાડાઉલ્ટીના કેસની પણ કોરોનમાં ગણતરી કરી હોવાની શંકા કોંગ્રેસે વ્યક્ત કરી છે.
અમદાવાદમાં દર વરસે મેલેરિયા, ઝાડાઉલટી અને કમળા ના કેસ મોટી સંખ્યામાં બહાર આવે છે. પરંતુ છેલ્લા ત્રણ મહીનાથી ચાલી રહેલા કોરોના કાળમાં તાવ અને ઝાડાઉલ્ટીના કેસ ઓછા થયા છે. સામાન્ય રીતે દર વરસે માર્ચ થી જૂન મહિનાના સમયગાળા દરમ્યાન ઝાડાઉલ્ટીના 3500 થી 4000 કેસ નોંધાય છે. જયારે સાદા મેલેરિયાના 2000 થી 2500 અને ઝેરી મેલેરિયાના લગભગ 50 જેટલા કેસ નોંધાય છે. પરંતુ આ વરસે માર્ચ થી 20 જૂન સુધી ઝાડાઉલ્ટીના માત્ર 600 કેસ નોંધાયા છે.
જે પૈકી માર્ચ મહિનામાં સૌથી વધુ 423 કેસ નોધાયા હતા.કોરોના કહેર શરૂ થયા બાદ ઝાડાઉલ્ટીના કેસ ઘટી ગયા હતા. સામાન્ય રીતે મે અને જૂન મહિનામાં ઝાડાઉલ્ટીના કેસ વધુ હોય છે. 2018 ના મે મહિનામાં ઝાડાઉલ્ટીના 1253 અને જૂનમાં 1240, 2019 માં અનુકમે1062 અને 1226 કેસ બહાર આવ્યા હતા. જેની સામે 2020ના મે મહિનામાં 56 અને જૂનના 20 દિવસમાં 53 કેસ નોંધાયા હતા. તેવી જ રીતે 2018 ના મે મહિનામાં સાદા મેલેરિયાના 455 અને જુનમાં 467 તેમજ 2019માં અનુકમે 395 અને 383 કેસ બહાર આવ્યા હતા.
જેની સામે 2020 ના મે માસમાં સાદા મેલેરિયાના 31 અને જુનમાં માત્ર 20 કેસ જ કન્ફર્મ થયા છે. જયારે 2018માં માર્ચ થી જુન સુધી ઝેરી મેલેરિયાના 45 તેમજ 2019માં આ સમયગાળા દરમ્યાન 39 કેસ નોંધાયા હતા. જયારે 2020માં છેલ્લા ચાર મહિના દરમ્યાન ઝેરી મેલેરીયાનો માત્ર એક જ કેસ બહાર આવ્યો છે.
જયારે કમળા ના 150, ડેન્ગ્યુના 52 અને ચિકનગુનિયાના 18 કેસ નોંધાયા છે. નોંધનીય બાબત એ છે કે આ તમામ રોગચાળાના મહત્તમ કેસ માર્ચ મહિનામાં જાહેર થયા હતા. કોરોના કહેર શરૂ થયા બાદ તેમાં અસામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વનેતા અને સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ આ આંકડા અંગે શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તાવ, કમળો અને ઝાડાઉલ્ટીના જે આંકડા બહાર આવ્યા છે તે ગળે ઉતરે તેમ નથી. મે અને જુનમાં ઝાડાઉલ્ટીના માત્ર 110 કેસ નોંધાયા છે. સામાન્ય રીતે આ સમય દરમ્યાન ઝાડાઉલ્ટીના 2500 થી 3000 કેસ બહાર આવે છે.જયારે માર્ચ મહિનામાં ઝેરી મેલેરિયાનો એકમાત્ર કેસ નોંધાયો હતો. ત્યારબાદ કોઈ કેસ બહાર આવ્યા નથી તેથી તંત્રએ તાવ અને ઝાડાઉલ્ટીના તમામ દર્દીઓની કોરોનાના પેશન્ટ માં ગણતરી કરી હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના લક્ષણોમાં આ બંનેનો પણ સમાવેશ થાય છે.રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ શાસકોએ આ મામલે તપાસ કરવી જરૂરી બને છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.