Western Times News

Gujarati News

આદિવાસી વિસ્તારોનો ઝડપી વિકાસ થાય એ માટે રાજય સરકાર કટિબદ્ધ: વસાવા

દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૧૧ કરોડની રકમ સામે ૧૩૫૮ કામોને મંજૂરી

જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૭૨૨૭.૯૩ લાખની રકમ સામે ૪૯૩૮ કામોને મંજૂરી

દાહોદ: દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે મળવાપાત્ર ૧૧ કરોડની રકમ સામે ૧૩૫૮ કામોને મંજૂરી આપવામાં આવી છે. જયારે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે મળવાપાત્ર ૭૨૨૭.૯૩ લાખની રકમ સામે ૪૯૩૮ કામોને મંજૂરી આપવામાં આવી છે.

બેઠકમાં મંત્રી શ્રી વસાવાએ જણાવ્યું કે, દાહોદ જિલ્લાને વિકાસની નવી ઊંચાઇએ લઇ જવા માટે સર્વે લોકપ્રતિનિધિ અને અધિકારીઓએ એક ટીમ બનાવીને કામગીરી કરવી જોઇએ. જિલ્લાના તમામ વિસ્તારોનો સર્વાગી વિકાસ થાય, જિલ્લામાં રસ્તા, વિજળી, પાણી માટેના કામો ઝડપભેર અને ગુણવત્તાયુક્ત થાય એ માટે સૌના સહિયારા અને સઘન પ્રયાસોની જરૂર છે.

આદિવાસી વિસ્તારોનો ઝડપી વિકાસ થાય એ માટે રાજય સરકાર કટિબદ્ધ છે અને કોરોના મહામારી હોવા છતા પણ આદિવાસી વિસ્તારોના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા કોઇ બજેટકાપ મૂકવામાં આવ્યો નથી.

બેઠકમાં જિલ્લામાં ગત વર્ષે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં પૂર્ણ કરવામાં આવેલા કામો, પ્રગતિ હેઠળના કામોની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરાઇ હતી.

બેઠકમાં મંત્રી શ્રી બચુભાઇ ખાબડે પાણી, સિંચાઇ સહિતની બાબતો માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે રસ્તા, વીજળી સહિતની બાબતો માટે જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જિલ્લાના  વિકાસ કાર્યો બાબતે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી, ધારાસભ્ય સર્વ શ્રી ચંદ્વિકાબેન બારીયા, શ્રી વજેસિંહભાઇ પણદા, શ્રી રમેશભાઇ કટારા, શ્રી શૈલેષભાઇ ભાભોર, સર્વ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, જિલ્લા આયોજન અધિકારી શ્રી કે.એસ.ગેલાત, પ્રાયોજના વહીવટદાર શ્રી બી.ડી. નીનામા,તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ  સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.