કોહલી વધારે ઘાતક બનશે ફિંચની ઓસ્ટ્રેલિયાને ચેતવણી
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાની વન-ડે અને ટી૨૦ ક્રિકેટ ટીમના સુકાની એરોન ફિંચે ભારત સામે રમાનારી પ્રથમ ટેસ્ટ અગાઉ પોતાની ટીમને ચેતવણી આપી છે. ફિંચ ઈચ્છે છે કે યજમાન ટીમના ખેલાડીઓ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે તકરાર કરવામાં નિયંત્રણ રાખે. ફિંચે જણાવ્યું હતું કે જાે કોહલીને વધારે ઉશ્કેરવામાં આવશે તો તે વધારે ઘાતક બની શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હંમેશા આકરી પ્રતિસ્પર્ધા જાેવા મળે છે અને પ્રત્યેક સિરીઝમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે તકરાર અને વિવાદો થતા રહ્યા છે.
ફિંચે જણાવ્યું હતું કે મેચ દરમિયાન ક્યારેક તકરાર થતી હોય છે અને બંને ટીમમાં કેટલાક એવા ખેલાડી હોય છે જે ક્યારેક ઉશ્કેરાઈ જાય છે. પરંતુ તેમાં નિયંત્રણ રાખવું જરૂરી છે. તમે નહીં ઈચ્છો કે વિરાટ કોહલી સાથે તકરાર થાય. જ્યારે કોહલીને ઉશ્કેરવામાં આવે છે ત્યારે તે હરીફ ટીમ સામે વધારે ઘાતક બની જાય છે.ભારત ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમવાનું છે પરંતુ વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ બાદ સ્વદેશ પરત ફરવાનો છે.
કોહલીની પત્ની અનુષ્કા શર્મા પ્રથમ બાળકને જન્મ આપવા જઈ રહી છે તેથી કોહલી તેની સાથે રહેવા માટે ભારત પરત ફરશે. કોહલીની ગેરહાજરીમાં ઉપસુકાની અજિંક્ય રહાણે ટીમની કમાન સંભાળશે. નોંધનીય છે કે ૨૦૧૮-૧૯મા ભારતે કોહલીની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયન ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. નોંધનીય છે કે ૨૦૧૮-૧૯મા જ્યારે બંને ટીમો આમને સામને થઈ હતી
ત્યારે બંને ટીમના કેપ્ટન કોહલી અને ટિમ પેઈન વચ્ચે તકરાર થઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૭ ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. એડિલેડમાં રમાનારી આ ટેસ્ટ મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે. ભારત અત્યાર સુધી ફક્ત એક જ ડે-નાઈટ ટેસ્ટ રમ્યું છે. ભારતે ગત વર્ષે બાંગ્લાદેશ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમી હતી. હવે ભારત વિદેશી ધરતી પર પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. ફિંચે જણાવ્યું હતું કે, હાલમાં કોહલીમાં ઘણું પરિવર્તન જાેવા મળી રહ્યું છે. મારા મતે એક વ્યક્તિ તરીકે તે મેદાનમાં ઘણો હળવો રહે છે અને મેચની તિવ્રતાને સારી રીતે સમજે છે. કોહલીની કેપ્ટનશિપમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમી ચૂકેલા ફિંચે જણાવ્યું હતું કે, મને તેની એક વાત છે જે આશ્ચર્ય પમાડે છે તે છે કે તે કોઈ પણ ટીમ સામે રમતા પહેલા યોગ્ય રણનીતિ અને તૈયારી કરે છે. પરંતુ તે હરીફ ટીમ કરતા પોતાની ટીમ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરે છે.