ખેડા જિલ્લાના કુલ ૧૭૪૪ મથકો પર મતદારયાદી સુધારણાની પ્રક્રિયા હાથ ધરાઈ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા મતદાન મથકોની મુલાકાત લઈ જાતે ચકાસણી કરી
નડીયાદ,આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ના ભાગરૂપે હાલમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૨ ચાલી રહેલ છે જે તા.૧૨/૦૮/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી ચાલશે. જે અન્વયે ભારતના ચૂંટણીપંચે ૪(ચાર) રવિવાર તા.૨૧/૦૮/૨૦૨૨ (રવિવાર), તા.૨૮/૦૮/૨૦૨૨ (રવિવાર), તા.૦૫/૦૯/૨૦૨૨ (રવિવાર) અને તા.૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર) ને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નકકી કરેલ છે.
આ ચાર ખાસ ઝુંબેશના દિવસો પૈકીતા.૨૧/૦૮/૨૦૨૨ (રવિવાર) ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો (કુલ–૧૭૪૪ મથકો) ઉપર સવારના ૧૦–૦૦ થી સાંજના ૫–૦૦ કલાક સુધી બી.એલ.ઓ. હાજર રહયા હતા અને સમગ્ર દિવસ દરમ્યાન મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે, નામ – સરનામામાં સુધારા – વધારા કરવા માટે, નામ કમી કરવા માટે અને ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા માટેની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જિલ્લામાં તમામ મતદાર નોંધણી અને નાયબ કલેકટરશ્રીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારશ્રીઓ / તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ આ પ્રસંગે પોતાના ભાગના મતદાન મથકોની મુલાકાત લઈ જાતે ચકાસણી કરી અને આ કામગીરીને વેગવંતી બનાવી હતી.
આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ પણ ૧૧૬–નડીઆદ વિધાનસભા મતદાર વિભાગના સેન્ટ મેરી હાઈસ્કુલ, નડીઆદ ખાતે અને એસ.આર.પી.ગ્રુપ નડીઆદ ખાતેના મતદાન મથકોની મુલાકાત લઈ જાતે ચકાસણી કરી. સદર કામગીરીનું નિરીક્ષણ કર્યું અને આ ખાસ ઝુંબેશના આગામી ત્રણ રવિવારના દિવસોએ પણ વધુમાં વધુ જાહેર જનતા આ કામગીરીમાં સહભાગી બને તે માટે અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતના ચૂંટણીપંચ ધ્વારા અમલમાં મુકેલ છે. આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા નવા મતદારો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે.
આ કાર્યક્રમ અંતર્ગત નામ, અટક કે અન્ય વિગતમાં સુધારો પણ કરાવી શકાશે અને નામ કમી કરાવવાનું હોય તો નામ કમી પણ કરાવી શકાશે.મતદારયાદીને લગતા તમામ અરજી ફોર્મ કલેકટર કચેરી, નડીઆદ તેમજ સંબંધિત પ્રાંત કચેરી, સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી વિનામૂલ્યે મળી શકશે. તેમજ ખાસ ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફીસર પાસેથી પણ અરજી ફોર્મ મેળવીને, અરજી ફોર્મમાં વિગતો ભરીને જરૂરી પુરાવા સાથે તેમને આપી શકાશે.