ગરીબ માણસ પોતાનો રૂપિયો ખર્ચે છે – સરકાર બીજાનો ખર્ચે છે !
“જે નાગરિક પોતાના ખીસામાં હાથ નાંખીને દસ રૂપિયાની નોટ કાઢે છે એને જ મોંઘવારી નામનો શબ્દ સ્પર્શે છે મોંઘવારી તો આપણો શબ્દ છે, સરકારનો નહીં !” : “રજનીશનો ધર્મ ધનિકો માટે હતો ! રજનીશનું ભોગવાદ એ જ ધર્મ ! દેહ ભોગભાવમાં વિચરવા માટે છે, દોષભાવમાં ઝુલસવા માટે નથી !!” |
“આપણાં દેશમાં ભાવ વધારાના કુચક્ર ને ગરીબની આંખે જાવાની વૃત્તિ ઓછી છે ! આઝાદી આવી ત્યારે લોકો સોદા મણમાં ખરીદતાં હતાં. મણ અને શેરના માપ હતાં. પછી મણને બદલે કિલોમાં ખરીદી થવા લાગી, અને હવે ગ્રામમાં શાક ખરીદાય છે અને સોનું પણ ગ્રામમાં ખરીદાય છે. પહેલાં સોનું તોલામાં ખરીદાતું હતું. ધોવાના સાબુની પેટી અને ગોળનો રવો અને ખાંડની ગુણ ખરીદાતાં હતાં. હવે,…. નહાવાનો સાબુ પણ એક ખરીદાય છે. મોંઘવારી ! બજેટો આવે છે અને જાય છે. બજેટ વખતે ટી.વી.ની ચકચકાટ છોકરીઓ ટીવી સેન્ટરની બહાર નીકળીને સરકારી અફસરોને પ્રશ્નો પૂછશે. અને ગરીબો માટે સારા… સમજી શકાય નહીં તેવા ઉત્તરો પણ આપશે ! જેમકે આ બજેટ બહુ સારું છે. ગરીબનું ધ્યાન રખાયું છે. આનાથી ગરીબનો બોજ હલકો થશે… વગેરે… વગેરે ! બજેટના દિવસની પહેલી જ સાંજે રાષ્ટ્રીય બજેટને આટલું બધું સમજી જવા માટે પણ સાહેબ અધ્વતીય દિમાગ જાઈએ !… જે બજેટ કેવું છે તેના સમજાવનારાઓ પાસે નથી ! ગરીબોને મિલીયન એટલે કેટલા ખબર નથી. ઘણાએ પાંચસો રૂપિયાની નોટ પણ જાઈ નથી. આપણને ભ્રમોમાં જિવાડવામાં આવે છે અને આપણે ભ્રમોમાં જીવીએ છીએ.
ગરીબ માણસોન રૂપિયા શું છે ? અર્થશાસ્ત્ર એ પૈસા કમાવવાનું કે પૈસા ખોવાનું શાસ્ત્ર નથી. પૈસાની વર્તણૂંક કેવી છે અને કેવી રહેશે એ સમજાવવાનું કામ અર્થશાસ્ત્રનું છે ! સમગ્ર બજેટ એના ઉપર આધારિત હોય છે. હું જે એક દસ રૂપિયા ખર્ચુ છું અને વિત્તમંત્રી જે એક દસ રૂપિયાની નોટ ખર્ચે છે એના ઉપર રીઝર્વ બેંકનો સિક્કો અને વિત્તમંત્રાલયના વિત્તસચીવની સહી છે ! આપણી દસની નોટ આપણા માટે ખર્ચવી અને સરકારની દસની નોટ અધિકારીએ સરકાર માટે ખર્ચવી એ બેઉ તદ્રન જુદી વસ્તુઓ છે !…. એટલે કે અર્થશાસ્ત્રમાં બે જાતના રૂપિયા છે ! એક આપણો પોતાનો અને એક બીજાનો ! ગરીબ માણસ સામાન્ય રીતે પોતાનો રૂપિયો ખર્ચતો હોય છે, સરકાર બીજાનો રૂપિયો ખર્ચે છે ! આથી જ મોંઘવારી નામનો શબ્દ બજેટમાં આવતો જ નથી ! કારણ કે બજેટને એ શબ્દ સાથે સંબંધ જ નથી ! જે નાગરિક પોતાના ખીસામાં હાથ નાંખીને દસ રૂપિયાની નોટ કાઢે છે એને જ મોંઘવારી નામનો શબ્દ સ્પર્શે છે ! મોંઘવારી શબ્દ રસોડાનો અને બજારોનો શબ્દ છે ! ક્રેડીટ કાર્ડ પર વ્હિસ્કી અને ચીઝ-પકોડાનું બિલ આમંત્રિતો માટે આપનાર પંચતારક શરાબીનો નથી !! મોંઘવારી શબ્દ સરકારી અધિકારીઓ ધ્વારા થતાં આમંત્રિતો માટેના ફૂલગુલાબી જલસાઓ માટે નથી ! અને એટલે જ ગરીબીનાં નિશાન ખસતાં નથી ! ગરીબી એટલે તદ્રન ગરીબની ગરીબી નહીં, ગરીબી એટલે મધ્યવર્ગની ગરીબી, એક શરીફ પરીવારની ગરીબી, સફેદ શર્ટ પહેરનારની ગરીબી.. જેને રોજ સાંજે બજારમાં શાક અને દર સપ્તાહે કરિયાણાના વેપારીને ત્યાંથી દાળ ખરીદવી પડે છે એ ગૃહિણીની ગરીબી, બે-રોજગારની ગરીબી જેને સવારની બસ કે ટ્રેન પકડીને દોડતાં નોકરી પર જવાનું હોય છે એ માણસની ગરીબી, જેને પોતાની બેબીને સારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે ટ્રસ્ટીના ડ્રોઈંગરૂમનાં ખૂણામાં ચિઠ્ઠી માટે બેસી રહેવું પડે છે એ માણસની ગરીબી ! મોંઘવારી તો આપણો શબ્દ છે, સરકારનો નહીં- સરકારી પ્રધાનોનો નહીં ! આ શબ્દ આપણે ઘોડિયામાં હતા ત્યારે સાંભળ્યો હતો… અને ચિતા પર પડ્યા હોઈશું કે કબ્રસ્તાનમાં દફન થતા હોઈશું ત્યારે પણ આપણી આસપાસ ફૂંકાતો રહેવાનો છે.. એક ચાર અક્ષરનો શબ્દ… મોંઘવારી !
ખીડકીઃ
રજનીશચંદ્ર મોહનથી પ્રોફેસર રજનીશ ભગવાન રજનીશથી ઓશો ! રજનીશનો ઝળહળાટ વિનોદ ખન્ના જેવા ફિલ્મકારને સ્વામી વિનોદ ભારતી બનાવી શકતો હતો એ મહત્વનું નથી, પણ એને કારનો ડ્રાઈવર કે બગીચાનો માળી બનાવી શકતો હતો ! ગુજરાતી ધનિકો અને એમની ધનિક પુત્રીઓ રજનીશની આરભિંક અસર નીચે સર્વ પ્રથમ આવ્યાં હતાં ! રજનીશ ગાદરવાલામાં જન્મ્યા, પિતા બાબુલાલ જૈન કાપડના વેપારી હતાં, રજનીશની માતા જે પછી માં આનંદ સરસ્વતી બની – કુલ ૧૦ સંતાનો, છ પુત્રો અને ચાર પુત્રીઓ ! એમાંથી બે ભાઈઓ અપરિણીત હતાં (એક રજનીશ), એક ભાઈ નિસંતાન હતાં, ત્રણ ભાઈઓને આઠ સંતાનો અને ચાર બહેનોને પંદર સંતાનો હતાં ! રજનીશે જબલપુરમાં દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો, પછી સાગર વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતક પ્રાપ્ત કરી ! એક પ્રોફેસર બી.જી. ટંડન જબલપુરના મહાકોશલ આર્ટસ મહાવિદ્યાલયમાં અંગ્રેજી ભણાવતા જયારે રજનીશ એમાં જ ફિલસૂફી ભણાવતાં. બેઉ એ આઠ વર્ષ એજ મહાવિદ્યાલયમાં ભણાવ્યું હતું. ટંડને લખ્યું છે કે “દિમાગને વિચારોથી મુક્ત કરી દેવું જાઈએ પછી જ સુખની સમજ આવે છે એવું રજનીશનું માનવું હતું ! ટંડન કહેતાં આ શક્ય જ નથી. જેમ સ્વપ્નમાં બીજું સ્વપ્ન જાવું શક્ય નથી, જેમ પડછાયાનો ફરીથી પડછાયો પડતો નથી. રજનીશે ધર્મને એક વસ્તુના માર્કેટીંગની જેમ વ્યક્તિના ઘર સુધી લાવી દીધો. રજનીશનો ધર્મ ધનિકો માટે હતો. રજનીશનું ભોગવાદ એજ ધર્મ ! દેહ ભોગભાવમાં વિચરવા માટે છે – દોષભાવમાં ઝુલસવા માટે નથી !
સ્ફોટકઃ
પંજાબના મહારાજા રણજિતસિંહ પાસે કોહિનૂર હીરો હતો. એ કોહિનૂરને પુરીના જગન્નાથ મંદિર માટે દાન કરવાના હતાં. એ વિચાર છેલ્લે બદલાયો હતો ! કોહિનૂર ડેલહાઉસી પાસે આવ્યો, એ કોટના ખિસ્સામાં સીવીને એને ઈંગ્લેન્ડ લઈ ગયો !… પછીની વાતો જગમશહૂર છે !