ગાંધીનગરના સ્વર્ણિમ પાર્કમાં મ્યુઝિકલ ફાઉન્ટેઈન બન્યો લોકોના આકર્ષણનું કેન્દ્ર
સ્વર્ણિમ પાર્કમાં મ્યુઝિકલ ફાઉન્ટેઈનના બે શો શરૂ: સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર
ગાંધીનગર, ગાંધીનગરમાં હાલ કાળઝાળ ગરમીના દિવસોમાં દિવસ દરમિયાન સેકટરોની શેરીઓમાં સન્નાટો જોવા મળે છે. જયારે દિવસના અંતે ઉનાળુ રાત્રિની રોનક નિખરે છે. સેકટરોના નાના મોટા ઉદ્યાનોમાં પણ નાગરિકોની ભીડ જોવા મળે છે. જયારે શહેરના હાર્દસમા વિસ્તારમાં સ્થિત સ્વર્ણિમ પાર્કમાં પણ મુલાકાતીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે. પાર્કમાં મ્યુઝીકલ ફાઉન્ટેઈન શો પણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
અગાઉ બોરમાં કેબલ ફોલ્ટ સર્જાવાના લીધે એક શો બંધ કરવાની ફરજ પડી હતી. જયારે હવે નિયમિત સાંજના સમયે મ્યુઝિકલ ફાઉન્ટેઈનનો શો યોજવામાં આવતા હવામાં ૧પ થી ર૦ ફૂટ ઉછળતા પાણીના મોજા સહીત રંગબેરંગી લાઈટીગ્સનો નજારો નિહાળવા સહેલાણીઓમાં પણ વિશેષ ક્રેઝ જોવામળી રહ્યો છે.
શહેરમાં હાલ રાત્રિના સમયે આઈસ્ક્રીમ પાર્લર અને ડિશગોળાની લારીઓ પર ભીડ જોવા મળે છે. આ ઉપરાંત દિવસની ગરમીથી અકળાયેલા નાગરિકો રાત્રિના સમયે ઘરની બહાર ટહેલવા નીકળી પડે છે. સેકટરોમાં સ્થિત ઉદ્યાનોમાં પણ રાત્રિના સમયે ભીડ જોવા મળે છે ત્યારે બીજીતરફ શહેરના હાર્દ સમા વિસ્તારમાં સ્થિત સ્વર્ણિમ સંકુલમાં પણ સહેલાણીઓની વિશેષ સંખ્યા જોવા મળી રહી છે.
ઉનાળાની આકરી ગરમીના દિવસોમાં બોર્ડ પરીક્ષા પુર્ણ થયા બાદ આમ પણ મોટાભાગના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. જેના લીધે વિદ્યાર્થીઓ પણ હવે હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે. આવા સંજોગોમાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર મનાતા સ્વર્ણિમ પાર્કમાં આડા દિવસોમાં અલબત્ત વીક એન્ડમાં પણ ભીડના દ્રશ્યો જોવા મળતા હોય છે.
હાલની સ્થિતિએ પણ સ્વર્ણિમ પાર્કમાં મ્યુઝીકલ ફાઉન્ટેઈનના શો નિહાળવા માટે પણ મુલાકાતીઓમાં વિશેષ ક્રેઝ જોવા મળે છે. હરિયાળી લોન અને અવનવા પ્લાન્ટેશનથી સજ્જ પાર્કમાં દોઢ દાયકા પૂર્વે મ્યુઝિકલ ફાઉન્ટેઈન શરૂ કરવામાં આવ્યો હતો જયારે આ ફાઉન્ટેઈન સહેલાણીઓમાં અનહદ આકર્ષણ જનમાવ્યું છે.
મ્યુઝીકલ ફાઉન્ટેઈન માટે પાણીની જરૂરિયાત વિશેષ હોવાના લીધે પાર્કમાં નજીકમાં જ બોર તૈયાર કરવામાં આવ્યો છે.
પરંતુ બોરના કેબલમાં ફોલ્ટ સર્જાયો હતો જેના લીધે એક શો બંધ રાખવાની ફરજ પડી હતી જોકે હવે કેબલ ફોલ્ટનું નિવારણ આવી જતા નિયમિત રીતે બે શો યોજવામાં આવી રહ્યા છે. સાંજે ૭ અને ૭ઃ૧પ કલાકે એમ બે શો કરવામાં આવે છે જેમાં સહેલાણીઓની વિશેષ સંખ્યા પણ જોવા મળે છે. આ મ્યુઝીકલ શો દરમિયાન હવામાં ૧પ થી ર૦ ફૂટ ઉંચા પાણીના મોજા ઉછળે છે. રંગબેરંગી લાઈટીંગ્સ અને મ્યુઝિક વચ્ચે સાંજના સમયે નયનરમ્ય દ્રશ્ય સર્જાયા છે જેના લીધે મુલાકાતીઓ માટે આ ફાઉન્ટેઈન શો હોટ ફેવરીટ છે.