ગુજરાતના ૪.૫૯ લાખથી વધુ મતદારોએ દબાવ્યું નોટાનું બટન
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ ૨.૮૮ કરોડ મત પડ્યા હતા અને તેમાંથી ૪.૫૯ લાખ મતદારોએ ‘નન ઓફ ધ અબોવ’ (નોટા) ઉપર પસંદગી ઉતારીને તેમની – સમક્ષ ઉપલબ્ધ તમામ ઉમેદવારોના વિકલ્પને જાકારો આપ્યો હતો.
‘નોટા’ નો સૌથી વધુ ઉપયોગ કરવામાં દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી જેવી આદિવાસી બેઠક મોખરે રહ્યાં. ગત ટર્મ કરતા નોટાના ઉપયોગમાં ૧૦ ટકાનો વધારો થયો હોવાનું પણ પરિણામો બાદ સામે આવ્યું.
‘નોટા’ ને મામલે એસટી બેઠક દાહોદ સતત બીજી લોકસભા ચૂંટણીમાં મોખરે રહ્યું હતું. ૨૦૧૯માં ૩૧,૯૩૬ જ્યારે ૨૦૨૪માં ૩૪,૯૩૫ મતદારોએ ‘નોટા’ ઉપર પસંદગી ઉતારી હતી. ‘નોટા’માં અન્ય એક એસટી બેઠક છોટા ઉદેપુર ૨૯૯૫૫ સાથે બીજા સ્થાને છે. સૌથી વધુ નોટામાં બારડોલી ૨૫૫૪૨ સાથે ત્રીજા, ભરૂચ ૨૩૨૮૩ સાથે ચોથા અને બનાસકાંઠા ૨૨૧૬૦ સાથે પાંચમાં સ્થાને હતું.
જામનગરની બેઠકમાંથી સૌથી ઓછા ૧૧ હજાર લોકોએ નોટા ઉપ પસંદગી ઉતારી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ૪,૦૦,૯૩૨ દ્વારા નોટા ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી.