ગુજરાતનું એક એવું ગામ જ્યાં કોઈ વરરાજા પરણવા જતો નથી ! પરંતુ વરરાજાની બહેન જાન લઈને જાય છે
છોટાઉદેપુરમાં નોખા આદિવાસીઓની અનોખી પરંપરા
છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાનું અંબાલા એક એવું ગામ કે જ્યાં હજી સુધી કોઈ વરરાજા ઘોડે ચઢી જાન લઈને પરણવા ગયો નથી કે કોઈ વરરાજા બની ગામમાં પરણવા આવ્યો નથી. એટલે કે આ ગામમાં લોકો લગ્ન કરતાં જ નથી એવું પણ નથી પરંતુ વરરાજાની બહેન જાન લઈને જાય છે અને જાન લઈને આવે છે, જેને પાટી લગ્ન તરીકે ઓળખાય છે.
છોટાઉદેપુર જિલ્લાના ૮૮૮ ગામોમાં અંબાલા એક એવું ગામ છેકે જે ગામ કલા સંસ્કૃતિ રીત રિવાજોનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. સદીઓ જૂની પરંપરા મુજબ છોટાઉદેપુર જિલ્લાના સનાડા, સુરખેડા અને અંબાલા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાટી લગ્ન લેવાની પરંપરા હતી. પરંતુ સનાડા તેમજ સુરખેડામાં આ પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે અંબાલાના લોકો આ પરંપરાને આજે પણ નિભાવી રહ્યાં છે.
કહેવાય છે કે આ ગામના દેવ અન્યને પરણાવવામાં ખુદ કુંવારા રહી ગયા હોવાની માન્યતાને લઈને અંબાલામાં કોઈ વરરાજા આજ દિન સુધી ઘોડે ચઢી પરણવા જતો નથી. કે આવી શકતો નથી.
પરંતુ તેની જગ્યાએ તેની કુંવારી નાની બહેન વરરાજા તરીકે પરણવા જાય કે આવતી હોય છે. એવી માન્યતા રહી છે કે આ ગામમાં કોઈ વરરાજા જાન લઈ પરણવા જાય કે આવે તે યુગલને સંતાન પ્રાપ્તિ થતી નથી, કે તેમનું લગ્ન જીવન ટકતું નથી, જેને લઈને આજ દિન સુધી આ ગામમાં આ પ્રથા ચાલે છે.