Western Times News

Gujarati News

લોન ભરપાઈ કર્યા વગર ફલેટ-દુકાનો વેચી દેનારા બિલ્ડરો સામે ગુનો નોંધાયો

પ્રતિકાત્મક

મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડી મુદ્દે તપાસ આદરી

મહેસાણા, મહેસાણાના સોમનાથ રોડ પર હિમાદ્રી રેસીડેન્સી નામે ફલેટ-દુકાનો બનાવીને વેચી દેનારા બે બિલ્ડરોએ આ ફલેટ-દુકાનો-પ્લોટ ઉપર વર્ષ ર૦૧૬માં માસ ફાઈનાન્સમાંથી કુલ રૂ.૪ કરોડની લીધેલી લોન ચૂકવી ન હોવાથી મિલકતો સીઝ કરવાની નોટિસ નીકળતાં આ ફલેટ-દુકાન ખરીદનારા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે બે જણા વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિમાદ્રી ફલેટમાં મકાન ધરાવતા જશવંતભાઈ હિંમતલાલ મકવાણા સહિત અહીંના મકાન, દુકાન તથા ફલેટધારકોએ પોલીસ મથકે લેખિત અરજી આપી હતી. જેમાં પોલીસે હિમાદ્રી ફલેટના ડેવલોપર જીજ્ઞેશ મોહનલાલ પરમાર (જીગર કોમ્પલેક્ષ, સોમનાથ ચાર રસ્તા પાસે, વિસનગર લિંક રોડ, મહેસાણા) તથા પ્રકાશકુમાર શંકરલાલ વર્મા (હરેકૃષ્ણ બંગ્લોઝ, તાવડિયા રોડ, મહેસાણા) વિરૂદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધ્યો છે.

જશવંતભાઈ મકવાણાએ વર્ષ ર૦૧૪માં હિમાદ્રી ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રોપરાઈટર પ્રકાશ વર્માને મળીને હિમાદ્રી ફલેટમાં સી-૩૦પ નંબરનો ફલેટ બુક કરાવ્યો હતો. જે ફલેટની ખરીદી પેટે તેમણે રોકડ રકમ, ચેકથી તેમજ ડીએચએફએલમાંથી રૂ.પ.પ૦ લાખની લોન લઈને નાણાં ચુકવ્યા હતા. તા.૧૧.૬.ર૦૧૮ના રોજ મહેસાણા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ફલેટનો દસ્તાવેજ કરી આપ્યો હતો જેમાં આ ફલેટ પર કોઈપણ પ્રકારનો બોજો હોવાની વિગતો જણાવી નહોતી. ત્યારથી તેઓ આ ફલેટમાં રહે છે અને અન્ય ફલેટ ધારકો પણ અહીં રહે છે.

પરંતુ હિમાદ્રી રેસીડેન્સીના બિલ્ડરો જીજ્ઞેશ મોહનલાલ પરમાર તથા પ્રકાશકુમાર શંકરલાલ વર્માએ હિમાદ્રી રેસીડેન્સીના ફલેટ, દુકાનો તથા ખુલ્લા પ્લોટ ઉપર વર્ષ ર૦૧૬માં માસ ફાયનાન્સ પાસેથી કુલ રૂ.૪ કરોડની લોન લીધી હતી બીજી તરફ આ લોન અંગે કલેકટરની કોર્ટમાં ચાલેલા કેસમાં કલેકટરના આદેશથી મામલતદારે મિલકત સિલ કરવાની નોટિસ ફટકારતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો અને રહીશોના પગતળેથી જમીન ખસી ગઈ હતી.

જેથી રહીશોએ કલેકટર કચેરીમાં તપાસ કરતાં રહીશોની જાણ બહાર તેમણે રાખેલા ફલેટસ, દુકાનો તથા ખુલ્લા પ્લોટ ઉપર તેમના બિલ્ડરોએ માસ ફાયનાન્સમાંથી લોન લીધેલી છે તેવી જાણ થઈ હતી.

રહીશોએ પૈસા ભર્યા તેમજ ફલેટ-દુકાનોના દસ્તાવેજ કરાયા તે વખતે બિલ્ડરો, સાક્ષીઓ સહિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહ્યા હતા તે વખતે સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે કર્મચારીએ આ મિલકતો દસ્તાવેજ કરી આપી ત્યારે માસ ફાયનાન્સ કે બીજી કોઈ બેન્ક તરફથી કોઈ મિલકત ઉપરના બોજા અંગેની કોઈ નોંધ નથી તેવું રહીશો કહી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.