Western Times News

Gujarati News

સોમનાથ જિલ્લા કલેકટર વિશાખાપટ્ટનમના ભૂલા પડેલા વ્યક્તિની મદદે આવ્યા

તેલુગુ ભાષાના જાણકારને બોલાવી, વતન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી

વેરાવળ, લોકસભાની ચૂંટણી કામગીરી વચ્ચે વ્યસ્ત ગીર સોમનાથ જિલ્લા કલેકટરની વહીવટી કુનેહ સાથે તેમના માનવતાવાદી અભિગમના દર્શન કરાવતો એક કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ, વિશાખાપટ્ટનમ શહેરમાં રહેતો સુબ્રમણ્યમ નામનો વ્યક્તિ વેરાવળમાં કોઈ કામ અર્થે આવ્યો હતો અને તેની બેગ સાથેની તમામ વસ્તુઓ ચોરાઈ ગઈ હતી તો સુબ્રમણ્યમને તેલુગુ ભાષા સિવાય અન્ય કોઈ ભાષા આવડતી નહોતી. તેથી તે પોતાની જરૂરિયાત વિશેની માહિતીનું આદાનપ્રદાન પણ કરી શકયો નહોતો.

અજાણ્યો મુલક, અજાણી પરિસ્થિતિ અને અજાણ્યા વાતાવરણમાં ક્યાં જવું તે વિશે તેને કશું સુઝતું ન હતું તેવા સમયે તેણે ગમે તે રીતે જિલ્લા કલેકટર કચેરીનો નંબર મેળવીને મદદ માટે સંપર્ક કર્યો હતો.

આ બાબતની જાણ થતાં કલેકટર જાડેજાએ જરૂરી મદદ કરવાની સુચના આપતા અધિક કલેકટર આર.જી.આલે સુબ્રમણ્યમનો સંપર્ક કર્યો હતો. પરંતુ તે તેલુગુ જાણતો હોવાથી જિલ્લામાંથી તેલુગુ જાણનાર વ્યક્તિની મદદથી શું તકલીફ છે તેની જાણકારી મેળવી હતી.

બાદમાં સમગ્ર હકીકત જાણીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના મુજબ વિશાખાપટ્ટનમ જવા માટેની ટિકિટ તથા રસ્તામાં જરૂરિયાત માટેના નાણાંની પણ મદદ કરીને તેને માદરે વતન પહોંચાડવાની માનવીય અભિગમવાળી કામગીરી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ તેની આગવી સંવેદનાના દર્શન કરાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.