ગુજરાતમાં મલ્ટીપ્લેક્સોને રૂ.૨૦૦૦ કરોડનું નુકસાન
મલ્ટી પ્લેક્સ શરૂ થયા પણ દર્શકો ગાયબ-અમદાવાદમાં ૪૮ મલ્ટીપ્લેક્સમાંથી ગણ્યા-ગાંઠ્યા શરૂ થયા છેઃ રાકેશ પટેલ
ભાડે ચાલતા મલ્ટીપ્લેક્સોની હાલત કફોડીઃ આવતા અઠવાડિયે અક્ષયકુમારનું નવું પિક્ચર રીલીઝ થશે
(પ્રતિનિધિ)અમદાવાદ, કોરોનાને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નવા પિક્ચરો ઓછા બની રહ્યા છે. તો બીજી તરફ કોરોનાની ગાઈડલાઈનના કડક અમલને કારણે થિયેટરો ખુલ્યા ન હતા. હવે જ્યારે મલ્ટીપ્લેક્સ-થિયેટરો શરૂ થયા છે. પરંતુ પ્રેક્ષકો જ આવતા નથી તેવી બૂમ પડી રહી છે.
હજુ પણ લોકોમાં કોરોનાનો ભય છે અને તેથી જ લોકો પિક્ચર જાેવા જવાનું ટાળી રહ્યા છે. તેમ છતાં કોરોનાની વેક્સીન લીધા પછી લોકોમાં આશાની સાથે હિંમતનો સંચાર થયો છે. પરંતુ ફિલ્મ જાેવાનું લોકો ટાળી રહ્યા છે તેની પાછળ કોરોનાની સાથેે-સાથે નવા પિક્ચરો હજુ રીલીઝ થયા નથી તે પણ કારણ હોઈ શકે છે.
આ અંગે વિશેષ વિગતો અર્થે વાઈડ એંગલ મલ્ટી પ્લેક્સના રાકેશભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં લગભગ ૪૮ મલ્ટી પ્લેક્સ આવેલા છે. તેમાંથી ગણ્યાં ગાંઠ્યા શરૂ થયા છે. ગુજરાતમાં અંદાજે ૨૫૦ મલ્ટી પ્લેક્સ છે. કોરોના લગાવ્યા ૧૭ મહિના પછી સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને મલ્ટી પ્લેક્સ શરૂ થયા છે.
પરંતુ હજુ લોકોને થિયેટર તરફ વધવામાં સમય જાય તેવું લાગી રહ્યું છે. જાેકે વેક્સીનેશન ઝડપી બનતા ધીમે ધીમે વિશ્વાસનું વાતાવરણ સર્જાશે. આગામી અઠવાડિયે અક્ષયકુમારનું નવું પિક્ચર આવી રહ્યુ છે. નો કાસ્ટ એન્ડ ફરીયર્સ પણ આવનાર છે. તેથી આગામી દિવસોમાં કેટલા દર્શકો આવશે તેનો અંદાજ આવશે.
કોરોનાને કારણે ગુજરાતમાં મલ્ટી પ્લેક્સને લગભગ રૂ.૨૦૦૦ કરોડનું આર્થિક નુકસાન થયું છે. આ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરાતા પ્રોપર્ટી ટેક્સ અને લાઈટબીલમાં રાહત અપાઈ છે. પરંતુ જે મલ્ટી પ્લેક્સ ભાડે લઈને ચલાવવામાં આવતી હતી તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
મહિનાના ૨૫ લાખ રૂપિયા સુધીના ભાડા આપતા મલ્ટી પ્લેક્સો આજે બંધ ખંડેર હાલતમાં છે. મલ્ટી પ્લેક્સોને થયેલુ નુકસાન ખૂબ જ છે. તેમ છતાં મલ્ટી પ્લેક્સના માલિકો તેમના સ્ટાફને રેગ્યુલર પગાર આપી રહ્યા છે. છેલ્લા ૧૭ મહિનાથી વાઈડ એંગલે કોરોનાના કપરા સમયમાં સ્ટાફને તેમનો પગાર આપ્યો છે. મલ્ટી પ્લેક્સો શરૂ થયા છે. હજું આગામી નજીકના દિવસોમાં જે બંધ છે તે શરૂ થનાર છે.