Western Times News

Gujarati News

નરોડામાંથી જમીન મામલે બનેવીએ સાળા સહિત બેનું અપહરણ કર્યુ

પરીવારે પોલીસને જાણ કરતાં અપહરણકારો બંનેને ગાંધીનગરથી નરોડા પરત મુકી ગયા

(પ્રતિનિધિ)અમદાવાદ, ગાંધીનગરમાં આવેલી એક જગ્યા ખોટી રીતે પડાવ્યા બાદ તેનાં રૂપિયાની ઊઘરાણી કરતાં સગાં બનેવીએ પુત્રો તથા અન્યો સાથે મળીને સાળા સહિત બેનું અપહરણ કરીને ઢોર માર માર્યાની ફરીયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

અપહરણ થતાં જ પરીવારે પોલીસનો સંપર્ક કર્યાે હતો. જેનાં પગલે પોલીસનો ફોન આવતાં જ અપહરણકારો બંને અપહૃત્યને નરોડા ગેલેક્ષી ચાર રસ્તા નજીક ઊતારી ભાગી ગયા હતા.

ઘટનાની વિગત એવી છે કે હસમુખભાઈ પટેલ (૬૫) વસંતવિહાર સોસાયટી નવા નરોડા ખાતે પરીવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગાળે છે.

તેમની પત્ની મૃદુલાબેન તથા સાળા રમેશભાઈ અને પ્રમોદભાઈ (હરીકૃષ્ણ પાર્ક, ઘોડાસર)ની ગાંધીનગરના વાસણા હડમતીયા ગામમાં અઢી વિઘા વડીલોપાર્જીત જગ્યા આવેલી હતી. જે વેચવાની વાત ચાલતાં હસમુખભાઈએ બનેવી ચંદ્રકાંત કેશવલાલ પટેલ (ઊવારસદ, ગાંધીનગર)ને જાણ કરી હતી. આ જગ્યા બાબતે ચંદ્રકાંત તથા અભિષેક પરેશભાઈ રાવ (જીઈબી કોલોની, ગાંધીનગર) તથા રાજેન્દ્ર નટવર પટેલ (હરી પાર્ક, સેક્ટર-૪, ગાંધીનગર) વચ્ચે મીટીંગ થઈ હતી.

અને રાજેન્દ્રભાઈનાં માણસ ઘનશ્યામ પટેલ (ઊનાવા, ગાંધીનગર)ના નામે બાનાખત કરાયા બાદ વર્ષ ૨૦૧૭માં રાજેન્દ્રભાઈનાં પુત્રો ગુંજન તથા બ્રિજેશનાં નામે તેમણે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. પરંતુ બાનાખત બાદની કોઈ જ રકમ રાજેન્દ્ર પટેલે ન આપતાં હસમુખભાઈએ ઊઘરાણી કરી હતી. ત્યારે રૂપિયા આપવાનાં બદલે તમામ ભેગાં મળી બહાનાં બનાવતાં હતા.

દરમિયાન હસમુખભાઈને ઈન્કમટેક્ષની બે નોટીસો મળતાં તેમનાં સાળાં રમેશભાઈએ ગાંધીનગર જીલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ અરજી કરી હતી. જેની તપાસ ચાલુ હતી.

દરમિયાન શનિવારે બપોરે બાર વાગ્યાના સુમારે હસમુખભાઈ ઘરે બેઠાં હતા એ વખતે તેમનાં બનેવી ચંદ્રકાંત, ભાણીયો પ્રેરક તથા અભિષેક રાવ સફેદ રંગની કાર લઈ આવ્યા હતા અને તમે સાળા સાથે મળી અમારાં વિરૂદ્ધમાં અરજી કેમ કરી તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા.

દરમિયાન કોઈ કંઈ સમજે એ પહેલાં જ ત્રણેય હસમુખભાઈનું કારમાં અપહરણ કરી ઘોડાસર રમેશભાઈનાં ઘરે ગયા હતા. જ્યાં તેમની સાથે પણ બોલાચાલી કરી તેમનું પણ અપહરણ કર્યું હતું. અને બંનેને જબરદસ્તી ગાંધીનગર રાજેન્દ્ર પટેલનાં ઘરે લઈ ગયા હતા જ્યાં બ્રિજેશ અને ગુંજન પણ હાજર હતા. આ તમામે ભેગાં મળી પોલીસમાં અરજી કરવા બાબતે ગાળો બોલી ધમકાવવા લાગ્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં હસમુખભાઈ તથા રમેશભાઈ ડરી ગયા હતા.

આ દરમિયાન તેમની ઉપર પોલીસનો ફોન આવતાં જ અપહરણકર્તાઓ ડરી ગયા હતા અને સાંજે સાત વાગ્યે હસમુખભાઈ તથા રમેશભાઈને ગેલેક્ષી ચાર રસ્તા ખાતે છોડીને ફરાર થઈ ગયા હતા. બાદમાં બંને પોતાનાં ઘરે પહોંચીને પોલીસ ફરીયાદ કરી હતી. પોલીસે બંનેની આપવીતી સાંભળ્યા બાદ અપહરણકારોની તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.