ગુજરાત દેશમાં સૌથી ઓછા મેન ડેયઝ લોસ ધરાવતું રાજ્ય છે ઃ મુખ્યમંત્રી
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, ઉદ્યોગકારો-રોકાણકારો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે તેના મૂળમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, રાજ્ય સરકારના સાનુકૂળ અભિગમ ઉપરાંત લેબર પીસ-શ્રમ શાંતિનો પણ મહત્વનો ફાળો રહેલો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુજરાત દેશમાં સૌથી ઓછા મેન ડેયઝ લોસ ધરાવતું રાજ્ય છે.
શ્રમિકોના સક્રિય સહયોગ અને રાજ્ય સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને શ્રમિક કલ્યાણ બાબતોમાં દેશમાં અગ્રેસર છે.
મુખ્યમંત્રી રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને ડીઆઇએસએચએ સિસ્ટમના ગાંધીનગરમાં લોંચીંગ સમારોહમાં અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન શરૂ કરાવેલી આ શ્રમ પારિતોષિક વિતરણની શૃંખલામાં રાજ્ય સરકાર ઉદ્યોગોમાં સંકટ સમયે પોતાની આત્મસૂઝ, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો તથા ઔદ્યોગિક શાંતિ જાળવવામાં યોગદાન આપનારા શ્રમયોગીઓને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરે છે.
મુખ્યમંત્રીએ વિશ્વકર્મા જયંતિના પર્વે સોમવારે આવા શ્રમયોગીઓને શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમ વીર અને શ્રમ શ્રી – શ્રમ દેવી પુરસ્કારો અન્વયે પ્રતિકરૂપે ૧૬ વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં આ વર્ષે આવા ૬૪ પુરસ્કારો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વકર્મા જયંતિની શુભેચ્છા પાઠવતાં આ અવસરે જણાવ્યું કે પોતાના શ્રમ, પરિશ્રમ અને પરસેવાથી ઉદ્યોગ, વેપાર, મેન્યૂફેકચરીંગ સેક્ટરમાં ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવનારા પાયાના પથ્થર એવા શ્રમિકો માટે ‘શ્રમ એવ જયતે’ અને ‘હર હાથ કો કામ હર કામ કા સન્માન’નો મંત્ર વડાપ્રધાનશ્રીએ આપ્યો છે.
શ્રમ રોજગાર રાજયમંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજાએ સ્વાગત પ્રવચનમા સૌને વિશ્વકર્મા જયંતીના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા કહ્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૨થી શ્રમિકોને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક આપી સન્માનિત કરવાની શરૂઆત કરી હતી એને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગળ વધારી રહ્યા છીઐ.
મંત્રી મેરજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની હદમાં આવેલ કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓને પ્રોત્સાહિત કરવા અને રાજ્યની પ્રગતિ, વિકાસ અને ઉન્નતિના ક્ષેત્રે રાજ્ય સરકાર દર વર્ષે શ્રમયોગીઓ દ્વારા ઉત્પાદનમાં, ગુણવત્તામાં તેમજ ઔદ્યોગિક શાંતિ જાળવવામાં અગ્રેસર કામગીરી તેમજ પોતાના જીવનું જાેખમ ખેડીને અને તાકીદે પગલાં ભરીને જીવ બચાવ્યા હોય તેમજ મિલકતને બચાવી હોય તેવી કામગીરી કરી હોય તેવા શ્રમયોગીઓને જુદા જુદા પ્રકારના ૧૬ રાજ્ય શ્રમ પારિતોષિકો પ્રદાન કરવાની યોજના અમલી છે.
રાજયના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજય શ્રમ રત્ન, રાજય શ્રમ ભૂષણ, રાજય શ્રમ વીર, રાજય શ્રમ શ્રી/શ્રમ દેવી જેવા વિવિધ કેટેગરીમા આ પારિતોષિક પ્રતિવર્ષ એનાયત કરવામા આવે છે.HS