ગુજરાત-ભૂતાનના સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા: પાંચ વર્ષમાં ગુજરાતથી થતા એક્સપોર્ટમાં 52 ટકાનો વધારો
વર્ષ 2019માં ગુજરાતમાંથી થયેલા 14.39 મિલિયન યુએસડી એક્સપોર્ટનો આંકડો 2023-24માં 21.98 મિલિયન યુએસડી પહોંચ્યો
ગુજરાતમાંથી પ્લાસ્ટિક ઉત્પાદનો, ઇલેક્ટ્રિક મશીનરી, સિરામિક ઉત્પાદનો તેમજ દવાઓ ભૂતાન પહોંચે છે
ભારતના પાડોશી દેશ ભૂતાનના નરેશ મહામહિમ જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગે અત્યારે ભારતના પ્રવાસે છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતમાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. ભારતના ગ્રોથ એન્જિન તરીકે પ્રતિષ્ઠિત ગુજરાત રાજ્ય સાથે ભૂતાનના સંબંધો વધુ ગહન બન્યા છે.
ગુજરાત સાથે વ્યાપારી સંબંધો વિકસિત કરવા માટે ભૂતાન તત્પર રહ્યું છે અને તે હેતુથી વર્ષ 2014માં ભૂતાનના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગુજરાતની મુલાકાત લીધી હતી. પરિણામસ્વરૂપે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાંથી ભૂતાનમાં થતા એક્સપોર્ટમાં સતત વધારો થયો છે. વર્ષ 2019-20માં ગુજરાતમાંથી 14.39 મિલિયન યુએસ ડૉલરના ઉત્પાદનોની નિકાસ થઈ હતી જે વર્ષ 2023-24માં વધીને 21.98 મિલિયન યુએસ ડૉલર પહોંચી છે. છેલ્લા પાંચ વર્ષમાં એક્સપોર્ટમાં 52 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ગુજરાતમાંથી થયેલા એક્સપોર્ટના આંકડા (યુએસ મિલિયન ડૉલરમાં)
2019-20 – 14.39
2020-21 – 14.85
2021-22 – 19.70
2022-23 – 19.22
2023-24 – 21.98
ગુજરાતમાંથી એક્સપોર્ટ થતા ટોચના ઉત્પાદનોમાં પ્લાસ્ટિક ઉત્પાદનો, ઇલેક્ટ્રિક મશીનરી અને સાધનો, સિરામિક ઉત્પાદનો, માછલી, પેપર અને પેપરના ઉત્પાદનો તેમજ દવાઓનો સમાવેશ થાય છે. આ માત્ર આંકડાઓમાં થયેલો જ વધારો નથી, પરંતુ ઉત્પાદનોની વિવિધતામાં પણ વધારો છે.
વડાપ્રધાને ભૂતાન સાથે મુલાકાતોથી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કર્યા
વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ શ્રી નરેન્દ્ર મોદીએ જૂન મહિનામાં સૌથી પહેલો વિદેશ પ્રવાસ ભૂતાનનો કર્યો હતો. ભૂતાન સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. આ વર્ષે માર્ચ મહિનામાં વડાપ્રધાને ફરી ભૂતાનની મુલાકાત લઇને “નેબરહુડ ફર્સ્ટ પોલિસી”ની પ્રાથમિકતા રજૂ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અદ્યતન ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સિવાય તેમણે ભૂતાનના 13મા પાંચ વર્ષીય પ્લાન માટે ₹ 10 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ તેમને “મિત્ર અને મોટા ભાઈ” તરીકે સંબોધિત કરીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સમ્માન “ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો”થી સમ્માનિત કર્યા હતા.
ભારતનો ભૂતાન સાથેનો વેપાર ત્રણ ગણો વધ્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સઘન પ્રયાસોના કારણે, ભારત અને ભૂતાન વચ્ચે વેપારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આયાત અને નિકાસ બન્ને ક્ષેત્રે, ભૂતાન સાથે ભાગીદારીમાં ભારત સૌથી ઉપર છે. ભારતનો ભૂતાન સાથેનો વેપાર (વિજળી સિવાય) વર્ષ 2014-15માં 484 મિલિયન યુએસ ડૉલર હતો જે ત્રણ ગણો વધીને વર્ષ 2022-23માં 1606 મિલિયન યુએસ ડૉલર થયો છે. ભૂતાનમાં ભારતની લગભગ 30 જેટલી કંપનીઓ બેન્કિંગ, ઉત્પાદન, ઇલેક્ટ્રિસીટી ઉત્પાદન, એગ્રીકલ્ચર-ફુડ પ્રોસેસિંગ, ફાર્મા, ITES, હોસ્પિટાલીટી અને એજ્યુકેશન સહિતના ક્ષેત્રોમાં કાર્યરત છે.