ગોધરાના માર્ગ પર 150 ફૂટ લાંબો તિરંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો
ગોધરા, ગોધરામાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર 150 ફૂટ લાંબો તિરંગો ગોધરાના માર્ગો પર જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લામાં યુવાનોનું સંગઠન એબીવીપી દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના થકી આખું ગોધરા દેશભક્તિના માહોલમાં પરિવર્તિત થયું હતું. રેલીમાં અંદાજે ૧૦૦ કરતાં વધારે યુવકો જોડાયા હતા તેમજ રેલી ગોધરાના લાલબાગ ખાતેથી નીકળી ચર્ચ પાસેથી ગોધરા ના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને લાલબાગ ખાતે સમાપ્ત કરવામાં આવી હતી. જેમાં ભારત માતાકી જય વંદે માતરમ્ જેવા નારાઓ યુવાનો દ્વારા બુલંદ અવાજે લગાવવામાં આવ્યા હતા.
જેમાં એબીવીપી ના પંચમહાલ વિભાગ સંયોજક દ્વારા જણાવવામાં આવ્યું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા શાખા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોધરાની પ્રજામાં દેશપ્રેમ પ્રસરે તે હેતુથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુવાનો સાથે મળીને આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોધરાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલો 150 ફૂટ લાંબો તિરંગો હાથમાં લઇ યુવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તસ્વીર:- મનોજ મારવાડી, ગોધરા