Western Times News

Gujarati News

ભારતીય દૂતાવાસે નાગરિકોને ફોર્મ ભરવા માટે જણાવ્યું

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચેનું ઘર્ષણ દિવસે ને દિવસે સતત વધી જ રહ્યું છે અને નાટો દ્વારા મોટી સંખ્યામાં હથિયારો યુક્રેનમાં મોકલાતાં હવે જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ વચ્ચે યુક્રેન અને રશિયા સીમા પર ઘર્ષણને કારણે ભારતીય દૂતાવાસે યુક્રેનમાં રહેતાં ભારતીયોને પોતાના નામ નોંધાવવા માટે સૂચના આપી છે.

જેથી ઈમરજન્સીની સ્થિતિમાં તેઓને સરળતાથી દેશમાં બહાર નીકાળી શકાય. દૂતાવાસે કહ્યું કે, તેઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આ સાથે તેઓએ યુક્રેનમાં રહેતાં ભારતીયોને કોઈપણ અપડેટ માટે સતત વેબસાઈટ ચેક કરતાં રહેવા માટે પણ જણાવ્યું છે.

એક નિવેદનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, ભારતીય નાગરિકો સાથે પ્રભાવી રીતે કો-ઓર્ડિનેશન થઈ શકે અને સરળતાથી માહિતી પહોંચાડી શકાય, કિવના ભારતીય દૂતાવાસ તમામ ભારતીય નાગરિકો ઉપરાંત યુક્રેનમાં રહેતાં ભારતીય વિદ્યાર્થીઓને વિનંતી કરે છે કે તેઓ નીચે આપેલ ફોર્મ ભરે.

ભારતમાં રહીને ઓનલાઈન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ ફોર્મ ભરવું નહીં. આ ઉપરાંત પ્રેસ રિલીઝમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, કિવના ભારતીય દૂતાવાસ દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અને વધારે માહિતી અને અપડેટ માટે દૂતાવાસની વેબસાઈટ તેમજ ટિ્‌વટર અને ફેસબુક પેજ સતત ચેક કરતાં રહો. અને જ્યારે જરૂરિયાત હશે ત્યારે અપલોડ કરવામાં આવશે. યુક્રેનમાં તણાવની સ્થિતિ સતત વધી રહી છે.

એકબીજા પર આરોપ લગાવતાની સાથે રશિયા અને નાટો દ્વારા મોટી સંખ્યામાં પોતપોતાની સેના યુક્રેનની સીમાઓ પર તૈનાત કરી દેવામાં આવી છે. અમેરિકા અને યુક્રેન આરોપ લગાવે છે કે રશિયા યુદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે મોસ્કો દ્વારા આ તમામ આરોપોને ફગાવતાં જણાવવામાં આવ્યું છે કે, અન્ય કોઈપણ દેશ પર હુમલો કરવા માટે તેઓની કોઈ ઈચ્છા નથી. મંગળવારે વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું હતું કે, યુક્રેન વચ્ચેનું ઘર્ષણ ઓછું કરવા માટે ભારત સહિતના કોઈપણ દેશોનું સ્વાગત કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.