ગોધરાના સાંપા ગામમાં બાળલગ્નની ઘટના સામે આવી, પાંચ સામે ફરીયાદ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા તાલુકાના સાંપા ગામમાં સગીર વયની દીકરીના લગ્ન કરાવનાર તેના માતા પિતા અને લગ્ન કરનાર વરરાજા તેમજ તેના માતા પિતા સામે ગોધરા તાલુકા મથકે ગુનો નોંધાયો છે.ગોધરા તાલુકા પોલીસે કુલ પાંચ આરોપીઓ સામે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની જાેગવાઈ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિના અભાવે દીકરા દીકરીઓના લગ્ન સગીર વયે કરાવવામાં આવી રહ્યા છે. પરંતુ આવા લગ્ન સામે સમાજમાં જાગૃત નાગરિકો દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક શાખાને જાણ કરી રહયા છે જેથી બાળ લગ્ન થતાં અટકાવવામાં આવી રહ્યા છે.
આવી જ એક ઘટના ગોધરા તાલુકાના સાંપા ગામમાં રહેતાં એક પરિવારની દીકરીની ઉંમર ૧૫ વર્ષ પાંચ મહિનાની હોવા છતાં તેના માતા પિતાએ મોરવા હડફ તાલુકાના મોરા ગામે લગ્ન કરાવ્યા હતા.જે અંગેની અરજી પંચમહાલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને મળી હતી.
અરજી આધારે અધિકારીએ ટીમ મારફતે તપાસ કરતાં લગ્ન વિધિ સંપન્ન થઈ ગઈ હતી પરંતુ તપાસ ટીમે કન્યા અને વરરાજાના જન્મ તારીખ અંગેના પુરાવાની ચકાસણી કરી ખરાઈ કરી હતી જેમાં કન્યાની ઉંમર ઓછી હોવાનું સાબિત થયું હતું.
જે આધારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એચ.લખારાએ કન્યાના માતા પિતા અને વરરાજા દીપક, તેના પિતા રેવાભાઈ અને માતા રમીલાબેન સામે ગોધરા તાલુકા પોલીસ મથકે બાળ લગ્ન પ્રતિબંધક જાેગવાઈ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત કન્યાના માતા પિતાને દીકરીને જયાં સુધી તેણીની ઉંમર પુખ્ત વયની ના થાય ત્યાં સુધી સાસરીમાં નહિં મોકલવા પણ સમજ આપી હતી.