ચીન સાથે નવ વખત વાત થઈ પણ જમીન પર તેનો કોઈ પ્રભાવ નથી દેખાયોઃ એસ. જયશંકર
નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે સીમા પર તનાવ યથાવત છે અને આ સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સ્વીકાર્યુ છે કે, ભારત અને ચીન વચ્ચે નવ વખત વાતચીત થઈ પણ જમીન પર તેની અસર જોવા મળી રહી નથી.
જયશંકરે કહ્યુ હતુ કે, સેનાના ટોચના અધિકારીઓ નવ વખત ચીન સાથે બેઠક યોજી ચુક્યા છે, થોડી ઘણી પ્રગતિ વાતચીતમાં થઈ છે પણ તેને સમસ્યાના સમાધાન તરીકે જોઈ શકાય નહીં.જમીન પર આ વાતચીતનો કોઈ પ્રભાવ જોવા મળતો નથી.
ઉલ્લેખનીય છે કે, પાંચ મેથી ચીન અ્ને ભારત વચ્ચે લદ્દાખ મોરચે તનાવ સર્જાયા બાદ વાતચીત પણ થઈ રહી છે.જયશંકરે કહ્યુ હતુ કે, સૈનિકોને પાછળ હટાવવાનો મુદ્દો બહુ જટીલ છે.આ બાબતનો નિર્ણય સેના પર આધાર રાખે છે.
આ પહેલા પણ સરકારે રાજ્યસભામાં કહ્યુ હતુ કે, ચીને એપ્રિલ- મેમાં એક્ચ્યુલ લાઈન ઓફ કંટ્રોલ પર સ્થિતિ બદલવા માટે વારંવાર પ્રયાસ કર્યો હતો પણ ભારતીય સેનાએ આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે અને ચીન સાથે સ્પષ્ટ કરી દેવાયુ છે કે, આ પ્રકારની હરકતો ભારતને સ્વીકાર્ય નથી.ચીનની કાર્યવાહીના કારણે બંને દેશો વચ્ચેના શાંતિપૂર્ણ સબંધો પર ખતરો પેદા થયો છે.