Western Times News

Gujarati News

ચુંટણી આવતા જ સામાજીક આગેવાનો કેમ સક્રિય બને છે?

આગેવાનોના કહેવાથી સમાજના તમામ મતદારો કોઈ પક્ષને ક્યારેય મત આપતા નથી

સમાજને ઢાલ બનાવીને આગેવાનો રાજકીય રોટલો શેકતા ક્યારે બંધ થશે ?- પાટીદાર અનામત આંદોલનના નેતાઓ આજે ક્યા છે ? અને ભોગ બનેલા યુવાનોના પરિવારો કેવી સ્થિતિમાં છે ?-

અનેક અગ્રણીઓ વર્ષોથી ચુપચાપ સમાજની સેવા કરી રહયા છેઃ સુરતના જાણીતા સમાજ સેવક સવાણીએ થોડા દિવસોમાં જ રાજકારણને અલવિદા કહી દીધી

ગુજરાત વિધાનસભાની ચુંટણીના દિવસોની ગણતરી શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં મુખ્ય બે હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ છે પરંતુ આ વખતે ઓવૈસીની પાર્ટી અને આમ આદમી પાર્ટી કેટલીક બેઠકો પર ઉમેદવારો ઉભા રાખે તેવી સંપૂર્ણ શક્યતા છે. ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં પણ ગરમાવો આવવા લાગ્યો છે

ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંડળ બદલી નાખ્યુ છે અને નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાનીમાં ચુંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામે પક્ષે કોંગ્રેસે પણ જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરી કોંગ્રેસમાં પ્રાણ પુરવાનો પ્રયાસ શરૂ કરાયો છે.

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના આગેવાનો ચુંટણી પ્રક્રિયામાં વ્યસ્ત જાેવા મળી રહયા છે તમામ નેતાઓ પોત પોતાના મત વિસ્તારોમાં પક્ષને મજબુત બનાવવા માટે એડી ચોટીનું જાેર લગાવી રહયા છે. કોંગ્રેસ ટુંક સમયમાં જ નવા પ્રદેશ સંગઠનની જાહેરાત કરવાનું છે જાેકે કોંગ્રેસમાં નિર્ણય શક્તિના મુદ્દે કાર્યકરોથી લઈ નેતાઓ સુધીના લોકો બળાપો કાઢી રહયા છે.

યોગ્ય સમયે ત્વરીત નિર્ણય નહી લઈ શકવાના કારણે કોંગ્રેસને નુકસાન સહન કરવું પડી રહયું છે. પરિણામે વિધાનસભાની અનેક બેઠકો પર તેની સીધી અસર થશે તેવુ રાજકીય પંડિતો માની રહયા છે આ તમામ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કેટલાક સામાજીક આગેવાનો પણ સક્રિય બની ગયા છે

જેના પરિણામે રાજકારણમાં વધુ ગરમાવો આવી ગયો છે દર વખતની જેમ આ વખતે પણ ચુંટણી નજીક આવતા જ સામાજીક આગેવાનો સક્રિય બનવા લાગ્યા છે રાજકીય નેતાઓ પણ હવે ચુંટણી જીતવાના ભાગરૂપે સામાજિક આગેવાનોના ચરણોમાં શીશ ઝુકાવવા લાગ્યા છે પરંતુ રાજકીય નેતાઓ એ ભુલી ન જાય કે સમાજના કોઈ આગેવાનના કહેવાથી સમાજના તમામ મતદારો કોઈ એક પક્ષને મત આપશે નહી.

ગુજરાત વિધાનસભાની ચુંટણીના દિવસો ગણાય રહયા છે ત્યારે ગુજરાતમાં મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસે ચુંટણીની કામગીરી આરંભી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણીઓ લડી છે અને તેમાં સફળતા મળતા હવે તમામની નજર વિધાનસભાની ચુંટણી પર મંડાયેલી છે.

ભાજપ દ્વારા રાજયમાં આંતરિક સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં ચોંકાવનારો રિપોર્ટ આવતા જ તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંડળને બદલી નાંખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પદે ભુપેન્દ્રભાઈ પટેલની પસંદગી કરી પાટીદાર સમાજને સ્પષ્ટ સંદેશો પાઠવી દીધો છે. ગુજરાતમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ જાેવા મળી રહયું છે

આ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ વિધાનસભાની અનેક બેઠકો પર પોતાનું પ્રભુત્વ દાખવી રહયા છે તેથી વિધાનસભાની ચુંટણીમાં મતદારોની ટકાવારી પ્રમાણે ઉમેદવારોને ટિકીટ આપવાની પરંપરા હજુ પણ જાેવા મળી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા ભાજપ દ્વારા તમામ જિલ્લાઓમાં સક્રિય રીતે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ અવઢવ ભરી સ્થિતિ બાદ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ ઠાકોરની નિયુક્તિ કરવામાં આવી છે અને કોંગ્રેસના પ્રભારી પણ અવારનવાર ગુજરાતમાં આવી રહયા છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં વિજય મેળવવા કોંગ્રેસ દ્વારા હવે એડીચોટીનું જાેર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે અને સૌ ્‌પ્રથમ તેઓએ સામાજીક આગેવાનોને મળવાની શરૂઆત કરી છે તાજેતરમાં જ કોંગ્રેસના એક પછી એક નેતાઓ સામાજીક આગેવાનોને મળતા જ રાજકીય ક્ષેત્રે નવા સમીકરણો રચાયા છે.

કોંગ્રેસ દ્વારા સંગઠનની રચના કરાયા બાદ યોગ્ય રણનીતિ ઘડવામાં આવશે પરંતુ વર્તમાન સ્થિતિમાં જગદીશભાઈ ઠાકોરની આગેવાનીમાં પ્રચાર શરૂ કરી દીધો છે. સામાજીક આગેવાનોને મળવાની પ્રક્રિયા શરૂ થતાં જ મતદારો પણ હવે પોતાની રીતે વિચારતા થઈ ગયા છે

પાટીદાર સહિત અનેક સમાજાેમાં અગ્રણીઓ વર્ષોથી સમાજના નબળા લોકોની સેવા કરી રહયા છે અને તેઓ કયારે પણ રાજકારણમાં આવવા માંગતા નથી આવા નેતાઓની યાદી ખુબ જ મોટી છે. તાજેતરમાં જ સુરતના જાણીતા સમાજ સેવક અને પાટીદાર નેતા સવાણીએ આમ આદમી પાર્ટીમાં સૌ કોઈને ચોંકાવી દીધા હતા પરંતુ થોડા જ દિવસોમાં તેમણે રાજકારણને અલવિદા કહી દીધી હતી આ કેમ બન્યંુ તે અંગે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ એક વાત નકકી છે કે સવાણી ફરી એક વખત સમાજ સેવક બની ગયા છે.

કેટલાક સામાજીક નેતાઓ સમાજ સેવા કરવા સાથે રાજકીય નેતાઓ બનવાનો અભરખો રાખતા હોય છે અને તેઓ રાજકીય પક્ષોમાં પણ જાેડાઈ જતા હોય છે પરંતુ આવા નેતાઓ રાજકીય પક્ષોમાં જાેડાયા પછી તેની સમાજ પર કોઈ પક્કડ રહેતી નથી

અને આવા નેતાઓએ અને રાજકીય પક્ષોએ સ્પષ્ટપણે સમજવું જાેઈએ કે કોઈ એક નેતાના કહેવાથી સમાજના તમામ મતદારો ક્યારેય પણ કોઈ એક પક્ષ કે કોઈ એક ઉમેદવારને મત આપતો નથી માટે સમાજને ઢાલ બનાવીને રોટલો શેકતા નેતાઓએ તેમની આવી પ્રવૃતિ બંધ કરી દેવી જાેઈએ.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યુ હતું અને તેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો પાટીદાર અનામત આંદોલન શરૂ કરનાર નેતાઓ આજે ક્યાં છે તે અંગે લોકોમાં પ્રશ્ન ચર્ચાઈ રહયો છે સાથે સાથે આ આંદોલનમાં ભોગ બનેલા યુવાનોના પરિવારો કેવી સ્થિતિમાં જીવી રહયા છે

તે જાેવાની કોઈને દરકાર નથી તેવુ સ્પષ્ટ જણાઈ રહયું છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીમાં રાજકીય સોગઠાબાજી ગોઠવવાની શરૂઆત થઈ છે અને બંને મુખ્ય પક્ષો વ્યસ્ત બની ગયા છે ત્યારે ઓવૈસીની પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આ બંને મુખ્ય હરીફ પક્ષોને નુકસાન પહોંચાડશે તેવુ રાજકીય પંડિતો માની રહયા છે.

ગુજરાતમાં સુપ્રસિધ્ધ અને પાટીદાર સમાજના મુખ્ય ધાર્મિક સ્થાન બની ગયેલા ખોડલધામના અગ્રણી નરેશભાઈ પટેલને તાજેતરમાં જ કોંગ્રેસના નેતાઓ મળવા ગયા હતા અને ત્યારબાદ તેમનુ કોંગ્રેસ પક્ષમાં હાર્દિક સ્વાગત કરવામાં આવશે તેવા નિવેદનો શરૂ કરી દેવાયા છે ત્યારે સામા પક્ષે ભાજપના નેતાઓ પણ તેમને મળવા પહોંચી ગયા છે પરંતુ આ પરિસ્થિતિમાં નરેશભાઈ પટેલ કોઈપણ બાબતની સ્પષ્ટતા કરતા નથી તેથી પરિસ્થિતિ આગામી સમયમાં સ્પષ્ટ થશે તેવુ મનાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.