ચૂંટણી પૂર્ણ થતા હવે લોકોમાં લૉકડાઉનનો ડર !
નવી દિલ્હી: પાંચ રાજ્યમાં ચૂંટણી પરિણામ આવી ગયા છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં પંચાયતોની ચૂંટણીના પરિણામની પણ જાહેરાત થઈ રહ્યા છે. એવામાં હવે કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે દેશ લૉકડાઉન તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ જે રીતે ફેલાઈ રહ્યું છે તેને જાેતા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે સરકારે કોરોનાની ચેન તોડવા માટે દેશમાં બે અઠવાડિયાનું લૉકડાઉન કરવાની ભલામણ કરી છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને હરિયાણા અને ઓડિશા સહિત અમુક રાજ્યોએ પહેલા જ લૉકડાઉનની જાહેરાત કરી લીધી છે. દેશમાં કોરોનાની બીજી લહેરથી હાહાકાર મચ્યો છે.
દરરોજ કોરોનાના નવા દર્દીઓનો રેકોર્ડ બની રહ્યો છે. હાલત એવી છે કે એક જ દિવસમાં ચાર લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશના ૧૨ રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૧૫૦ જિલ્લામાં સંક્રમણ દર ૧૫ ટકાથી વધારે છે, જ્યારે ૨૫૦ જિલ્લામાં સંક્રમણનો દર ૧૦થી ૧૫ ટકા વચ્ચે છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ તમામ રાજ્યોમાં લૉકડાઉન લગાવવાની જરૂરીયાત છે. કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સ પ્રમાણે કોરોના ઝડપથી પોતાનું રૂપ બદલી રહ્યો છે. જેના કારણે તેના પર કાબૂ મેળવવાનુ કામ મુશ્કેલ થઈ રહ્યું છે. ટાસ્ક ફોર્સનું કહેવું છે કે કોરોના આવી જ રીતે ફેલાતો રહેશે તો દેશમાં સ્વાસ્થ્ય માળખું ભાંગી પડશે.
કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સમાં એમ્સ અને આઈસીએમઆર જેવી પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થાઓના નિષ્ણાતો શામેલ છે. કોરોનાના વધી રહેલા કેસને જાેતા આ અધિકારીઓ અનેક બેઠક કરી ચૂક્યા છે. આ બેઠકમાં જે પણ ચર્ચા થાય છે તે અંગેની જાણકારી ટાસ્ટ ફોર્સના અધ્યક્ષ વી કે પૉલ વડાપ્રધાન મોદી સુધી પહોંચાડે છે. ઉલ્લેખનીય છે કે કોરનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ૨૦ એપ્રિલના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
આ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણે બધાએ મળીને દેશને લૉકડાઉનથી બચાવવાનો છે. તેમણે કહ્યુ હતુ કે, લૉકડાઉનનો ઉપયોગ અંતિમ ઉપાય તરીકે કરવો જાેઈએ. જે દિવસે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યું હતું ત્યારે દેશમાં એક દિવસમાં ૨,૫૯,૧૭૦ નવા કેસ નોંધાયા હતા અને ૧,૭૬૧ લોકોનાં મોત થયા હતા.
આજે આ બંને આંકડાં ખૂબ વધી ગયા છે. ઓડિશા સરકારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પાંચમી મેથી ૧૪ દિવસનું લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. મુખ્ય સચિવ એસસી મોહપાત્રા તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વીકેન્ડને બાદ કરતા તમામ દિવસોમાં જરૂરી સેવા ચાલુ રહેશે. જ્યારે હરિયાણા સરકારે રાજ્યમાં ત્રીજી મેથી સાત દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે ટ્વીટ કરીને આપી હતી.