ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા કરી અને બે મહિનામાં ૪.પ૦ લાખ ચૂકવવા આદેશ

ડીસા, ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસ મામલે ચુકાદો આપતા આરોપીને એક વર્ષની સજા અને રૂપિયા ૪.પ૦ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે અને તે ના ચૂકવે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
ડીસા શહેરના ગાંધીચોક ખાતે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ સમકીતકુમાર મફતલાલ વારીયા તેમના સમાજના અશોકકુમાર ધુડાલાલ શાહ સાથે લાખણી માર્કેટયાર્ડ ખાતે મહાવીર ટ્રેડર્સ નામની પેઢી ધરાવે છે. અશોકકુમારને ગવારની ખરીદી કરવાની હોઈ સમકીતકુમાર વારિયાએ તેમના ખાતામાં ર નવેમ્બર- ર૦૧૮ના રોજ ૪.પ૦ લાખ રૂપિયા જમા કરાવ્યા હતાં.
જાેકે બાદમાં અશોકકુમાર ગવારની ખરીદી કરેલ ના હોઈ સમકીતકુમાર વારીયાએ રૂપિયા પરત માંગતા અશોકકુમાર શાહે તા.૭ ડીસેમ્બર-ર૦૧૯ના રોજ બનાસકાંઠા ડિસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેન્કનો રૂપિયા ૪.પ૦ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક ખાતામાં ભરતા પૂરતા નાણાં ભંડોળ ના હોવાને કારણે ચેક રિટર્ન થયો હતો.
આથી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ડીસા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી અશોકકુમાર ધુડાલાલ શાહને કલમ ૧૩૮માં કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તેમજ ફરિયાદીને વળતર પેટે રૂપિયા ૪.પ૦ લાખ આગામી બે મહિનામાં ચુકવી આપવા તેમજ આ રકમના ચુકવે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.