ચોટીલા-રેશમીયા ગામે સિંહે દેખાતાં લોકોમાં ભારે ભય
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને આજુબાજુમાં આવેલા ઠાગા અને વીડ વિસ્તારમાં સિંહણ પોતાના બે બાળ સિંહ સાથે આવી ચડી છે. ત્યારે આ સિંહ બેલડીએ અત્યાર સુધી આ વિસ્તારના વસવાટ કરતા લોકોને દેખા દીધી ન હતી. પરંતુ ગઈકાલે અંદાજીત રાત્રે ૧૦ વાગ્યા આજુબાજુ સિંહ બેલડી ચોટીલાના રેશમીયા ગામની સીમમાં દેખા દેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક ગ્રામજનો મહિલાઓ અને બાળકોમાં ભારે ફફડાટની લાગણી પ્રસરી ગઇ હતી. સ્થાનિક ગ્રામજનોની જાણ બાદ હરકતમાં આવેલા વનવિભાગે પણ ચોટીલામાં સિંહ હોવાની આજે પુષ્ટિ કરી હતી. ચોટીલા પંથકમાં સિંહ અને તેના બાળ સાથે ચોટીલામાં પ્રવેશ મેળવ્યો છે
ત્યારે ગુજરાતની ત્રણ થી ચાર ફોરેસ્ટ ટીમ આ સિંહોને શોધવા માટે કવાયત હાથ ધરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વીડ વિસ્તારમાં ૨૦૦ વર્ષ બાદ બાળ સિંહ સાથે સિંહએ આગમન કર્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને ગુજરાત રાજ્યના ચાર ગામની વચ્ચે ચોટીલા ખાતે સિંહએ અલગ અલગ સ્થાને અત્યાર સુધીમાં ૮ થી વધુ પશુઓનું મારણ કર્યું હોવાની વાત પણ સામે આવી હતી. જેમાં ગઈકાલે રાત્રે સિંહો દ્વારા રેશમીયા ગામમાં પ્રવેશ કરાતાં આ સિંહ સ્થાનિક ગ્રામજન શિવરાજની વાડીમાંથી પસાર થયા હતા. ત્યારે આ સિંહ રેશમીયાથી આવેલ બાજુમાં ઠાગા વિસ્તારમાં આવેલ જંગલી વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો.
બીજીબાજુ, આ વિસ્તારમાં સિંહ આવ્યાની વાતની જાણ થતાં ફોરેસ્ટની ટીમ પણ પાછળ શોધખોળમાં નીકળી હતી. સિંહના પગલા અને અન્ય નિશાનીના આધારે આખરે સ્થાનિક વનવિભાગે આ વિસ્તારમાં સિંહ પ્રવેશ્યા હોવાની વાતની પુષ્ટિ કરી હતી. રહેણાંક વિસ્તારમાં સિંહો આવી જવાના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.