Western Times News

Gujarati News

છત્તીસગઢના શહેરમાં રસી લેનારને બે કિલો ટામેટા મફત

Files Photo

રાજ્યના ૨૮માંથી ૨૦ જિલ્લાઓમાં લોકડાઉન, નક્સલ પ્રભાવિત શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અનોખી ઓફર

બીજાપુર,  કોરોના વાયરસની રસી લીધા પછી પણ ઘણાં લોકો લોકો કોરોનાનો શિકાર બન્યા હોવાના અહેવાલ ઘણાં સામે આવ્યા છે. જાેકે, એક્સપર્ટે એ પણ જણાવ્યું છે કે જે લોકોએ રસી લીધી હોય અને તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેમને ગંભીર બીમારીનો સામનો નથી કરવો પડતો.

આવામાં હવે ૧ મેથી ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ રસી આપવાનું શરુ કરવામાં આવનાર છે. આ પહેલા હાલ ૪૫ વર્ષથી વધુની ઉંમરવાળા અને કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. આમ છતાં ઘણાં લોકોને રસીને લઈને નિરુત્સુક છે અને કેટલીક અફવાઓના કારણે પણ આગળ નથી આવી રહ્યા.

આ બધાની વચ્ચે છત્તીસગઢમાં વધતા કોરોના કેસ સામે લોકોને રક્ષણ મળે તે માટે રસી માટે આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે રસી માટે કોઈને આકર્ષિત કઈ રીતે કરી શકાય પરંતુ બીજાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવું થઈ રહ્યું છે. અહીં રસી લેવા માટે આવતા લોકોને કોર્પોરેશન દ્વારા એક ઓફર આપવામાં આવી રહી છે. જેની જિલ્લામાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

અફવાઓના કારણે લોકો છત્તીસગઢમાં રસી માટે આગળ આવવાનું ટાળી રહ્યા છે. આવામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉન છે. જેના લીધે લોકો રસી લેવા માટે નથી આવી રહ્યા. નક્સલ પ્રભાવિત બીજાપુરમાં તેની વધારે અસર જાેવા મળી રહી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા નવી સ્કીમ શરુ કરાઈ છે કે જે લોકો રસી લેશે તેમને બે કિલો ટામેટા મફત આપવામાં આવશે.

કોર્પોરેશનના અધિકારી પુરુષોત્તમ સલ્લૂરે કહ્યું કે, અહીં લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. લોકો રસી માટે આગળ આવે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. શાકભાજી વેચતા લોકોને જણાવાયું છે કે તેઓ કોર્પોરેશનને ટામેટા પૂરા પાડે. અમે રસીકરણ કરાવો અને ટામેટા લઈ જાવ તેવું અભિયાન ચલાવી રહ્યા છીએ.

છત્તીસગઢમાં કોરોના સંક્રમણની ગતિ ઝડપથી વધી છે. પાછલા ૨૪ કલાકમાં અહીં ૧૬,૦૦૦ કરતા વધારે લોકો સંક્રમિત થયા છે જ્યારે ૧૦૦ જેટલા લોકોના કોરોનાના કારણે મોત થઈ ગયા છે. જેના કારણે સરકાર રસી માટે લોકો આગળ આવે તેવા પ્રયાસ કરી રહી છે. રાજ્યના ૨૮માંથી ૨૦ જિલ્લાઓમાં લોકડાઉન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.