છ મહિના પહેલા વિદ્યાર્થિની સાથે રેગિંગની કાર્યવાહી હજુ થઈ નથી
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી સાથે જાેડાયેલી એનએચએલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી અને શારદાબેન હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરતી વિદ્યાર્થિનીએ છ મહિના પહેલા તેની સાથે રેગિંગ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના પર હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
હાલમાં યુજીસીની એન્ટિ-રેગિંગ કમિટી દ્વારા યુનિવર્સિટીને પત્ર લખ્યો હોવાની વિગતો બહાર આવી છે. એનએચએલ મેડિકલ કોલેજમાં એમબીબીએસ કર્યા બાદ વિદ્યાર્થિની શારદાબેન હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરતી હતી. ઈન્ટર્નશિપ દરમિયાન સીનિયર ડોક્ટરે તેને હડધૂત કરી હતી અને જાહેરમાં અપમાનિત કરી હતી.
આ ઘટનાથી વિદ્યાર્થિનીને ભારે ઠેસ પહોંચી હતી. છ મહિના પહેલા તેણે યુજીસીની એન્ટિ-રેગિંગ કમિટી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી હતી. એન્ટિ-રેગિંગ કમિટીએ આ મુદ્દે યુનિવર્સિટીને પત્ર લખી શારદાબેન હોસ્પિટલ પાસે આ ઘટનાનો જવાબ માગ્યો હતો.
હવે હોસ્પિટલના હોદ્દેદારો તેમની પાસે આ પ્રકારનો જવાબ માગ્યો હોવાનો ઈનકાર કરી રહ્યા છે. યુજીસીની એન્ટિ-રેગિંગ કમિટીએ ગુજરાત યુનિવર્સિટીને હાલમાં પત્ર લખ્યો હતો અને ઘટનાની જાણકારી આપી હતી. હાલની સ્થિતિની વાત કરીએ તો, એનએચએલ, શારદાબેન હોસ્પિટલ અને યુનિવર્સિટી સહિતના કોઈપણ તંત્રને આ ફરિયાદ અંગે જાણકારી નથી. યુનિવર્સિટીમાં હાલમાં આ પ્રકારનો પત્ર મળ્યો હોવાની પુષ્ટિ થઈ હતી.
છ મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં વિદ્યાર્થિનીએ પણ ફરીવાર ફરિયાદ કરી કે નહી તે અંગે પણ કોઈ વિગતો જાહેર થઈ શકી નથી.SSS