ઝઘડીયા જીઆઈડીસીમાં દીપડાનો આતંક યથાવત
જીઆઈડીસીની ગેલકસી કંપની નજીક દીપડાએ બકરીનું મારણ કર્યું.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, બે દિવસ પૂર્વે જીઆઈડીસીની વર્ધમાન કંપનીમાં માદા દીપડી પોતાના બે બચ્ચા સાથે દેખા દેતા જીઆઈડીસી વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.જેમા દિકરીનો પરિવાર હજી વર્ધમાન કંપનીની ઝાડીઓમાં જ છે.જ્યારે આજરોજ ફરી જીઆઈડીસીની ગેલકસી કંપની નજીક દીપડાએ એક બકરીનુ મારણ કર્યું છે.કંપની નજીકના ખુલ્લા પ્લોટમાં બકરી ચરતી હતી તે દરમ્યાન સાંજના સમયે દીપડાએ તેના પર હુમલો કરી તેનો શિકાર કર્યો હતો.
દિવસે દિવસે ઝઘડિયા જીઆઈડીસી માં વધતા દીપડાના શિકારની ઘટનાઓથી જીઆઈડીસીમાં અવરજવર કરતા લોકો તથા આજુબાજુના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા નર્મદા કાંઠા વિસ્તારમાં નર્મદા નદીના પૂરના પાણી ખેતરોમાં ઘુસતા જળચર તેમજ વન્ય પ્રાણીઓ ઝઘડિયાના ઉપરવાસમાં વસવાટ કરતાં થયા છે જેથી હિંસક પશુઓ દ્વારા શિકારની ઘટનાઓ વધી રહી છે.