ટ્રેકટર સળગાવનારાઓએ ખેડૂતોનુ અપમાન કર્યુ છેઃ પીએમ મોદી
નવી દિલ્હી, કૃષિ બિલના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનના ભાગરુપે ઈન્ડિયા ગેટ પર ટ્રેકટર સળગાવાની ઘટના બાદ પીએમ મોદી બરાબર રોષે ભરાયા છે. નમામિ ગંગે મિશન હેઠળની યોજનાઓના લોકાપર્ણ દરમિયાન પીએમ મોદીએ આ વાતનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, દેશના ખેડૂતો , શ્રમિકો માટે મોટા સુધારા કરવામાં આવ્યા છે.જેનાથી તેઓ સશક્ત બનશે પણ આજે દેશ જોઈ રહ્યો છે કે, વિરોધ કરનારા ખાલી વિરોધ કરવા ખાતર વિરોધ કરી રહ્યા છે.આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમનો અધિકાર આપી રહી છે તો આ લોકો વિરોધ કરવા પર ઉતરી આવ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, આ લોકો ઈચ્છે કે, દેશનો ખેડૂત ખુલ્લા બજારમાં પોતાની ખેતી ના વેચે. જે સામાનો અને ઉપકરણોની દેશનો ખેડૂત પૂજા કરે છે તેને આજે આગ લગાવીને તેમણે(વિરોધ પક્ષો) ખેડૂતોનુ અપમાન કર્યુ છે.જ્યારે અમારી સરકારે ગરીબ લોકોના એકાઉન્ટ ખોલ્યા ત્યારે પણ આ લોકોએ વિરોધ કર્યો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ અનાવરણ થયુ ત્યારે પણ આ લોકોએ વિરોધ કર્યો હતો.તેમનો કોઈ મોટો નેતા આજ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગયો નથી.રામ મંદિરના ભૂમીપૂજનનો પણ તેમણે વિરોધ કર્યો હતો.આ લોકો હવે સમાજથી અલગ-થલગ પડી રહયા છે.