ટ્રોલ કરવાના બદલે કોઈને મદદ કરો : અભિનેતા સોનુ
મુંબઈ: સોનુ સૂદે ફિલ્મોમાં ભલે વિલનનો રોલ પ્લે કર્યો હોય પરંતુ રિયલ લાઈફમાં તે હીરો સાબિત થયો છે. લોકડાઉન દરમિયાન મુંબઈમાં ફસાયેલા હજારો પ્રવાસી મજૂરોને એક્ટરે પોતાના ખર્ચે તેમના વતન પહોંચાડ્યા હતા. આટલું જ નહીં તેણે ઘરવિહોણા થયેલા ગરીબોને ઘર આપવાની સાથે-સાથે ઘણા બધા લોકોની મદદ કરી હતી. હજુ પણ તેણે પોતાની સેવા ચાલુ રાખી છે. એક્ટરે આટલું પ્રશંસનીય કામ કરતાં લોકોએ તેને ભગવાનનું બિરુદ આપ્યું સાથે જ તેને ભારત રત્ન આપવાની પણ માગ કરી.
તો કેટલાક લોકો એવા પણ છે જેમણે એક્ટરને તેના પરોપકારી કામને લઈને સવાલ કરવાનું શરુ કરી દીધું. આટલું જ નહીં કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે એક્ટરને ફ્રોડ પણ કહી દીધો. જેના પર એક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક્ટરે પોતાના ટ્રોલિંગ અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે, ‘બની શકે કે તેઓ એટલા માટે આમ કરી રહ્યા હોય કારણ કે આ જ તેમનો ધંધો છે. અને આ માટે તેમને પૈસા પણ ચૂકવવામાં આવી રહ્યા હોય. પરંતુ આ બધી વાતો મને પ્રભાવિત કરતી નથી. અને હું જે કરી રહ્યો છું તે કરતો રહીશ.
આ સાથે સોનુ સૂદે બોધપાઠ આપતી એક વાર્તા પણ સંભળાવી. તેણે કહ્યું કે, ‘હું જ્યારે નાનો હતો ત્યારે એક વાર્તા સાંભળી હતી. એક સાધુ પાસે શાનદાર ઘોડો હતો. તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક ડાકૂએ તેમને ઘોડો આપી દેવા કહ્યું. સાધુએ ના પાડી અને આગળ વધી ગયા.
જંગલમાં તેમને એક વૃદ્ધ દેખાયા, જેઓ મુશ્કેલીથી ચાલી શકતા હતા. તેવામાં તેમણે ઘોડો તે વૃદ્ધને આપી દીધો. તે વૃદ્ધ ઘોડા પર બેસી ગયા અને પોતે ડાકૂ હોવાનો ખુલાસો કર્યો અને બાદમાં ભાગવા લાગ્યો. સાધુએ તેને રોક્યો અને કહ્યું કે, તું ઘોડો લઈ જઈ શકે છે, પરંતુ કોઈને કહેતો નહીં કે તે મારો ઘોડો કેવી રીતે લીધો કારણ કે લોકો પછી સારા કામ કરનાર પર પણ વિશ્વાસ કરવાનું બંધ કરી દેશે.