ડુપ્લીકેટ ચાવી બનાવી ઘર માલિકોની આંખો સામે ચોરી
અમદાવાદ: લોકડાઉન બાદ અનલાૅકમાં નતનવી મોડસ ઓપરેન્ડીથી લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે હવે મણિનગર બાદ કૃષ્ણનગર વિસ્તારમાં પણ એક વ્યક્તિને બનાવટી ચાવી બનાવવી ભારે પડી છે. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મગનભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ આપી છે કે, સવારે ડુપ્લીકેટ ચાવી બનાવતા બે યુવાનઓ તેમની સોસાયટીમાં આવતા તેમને તેઓએ ઘરના દરવાજાના લોકની બનાવટી ચાવી બનાવવા માટે આપી હતી. જો કે આ ગઠીયાએ લોકમાં એક ચાવી ફસાવી દઈ બીજી ચાવી માંગી હતી.
જેથી ફરિયાદી એ તેમની તિજોરીના લોકરની ચાવી સહિત ચાવીનો ઝુમખો આપ્યો હતો. જોકે, એક ગઠીયાએ ચાવીઓના ઝૂમખાંમાંથી એક ચાવી લોકમાં લગાવી ને તે ચાવી તિજોરીમાં લાગે છે કે નહિ તે તપાસ કરી લેવા માટે કહ્યું હતું. જેથી ફરિયાદીએ આ ચાવી તિજોરીમાં આવેલા લોકરમાં લગાવી હતી. જોકે, લોકરમાં આ ચાવી ફસાઈ જતા તેમને ચાવી બનાવતા ગઠીયાઓને રૂમ માં બોલાવ્યા હતા.
એક ગઠીયા એ ચાવી થોડી સરખી કરી ને લોકરનું લોક ખોલી ફરી બંધ કરી દીધું હતું. જે બાદ તેણે ફરિયાદીને કહ્યું હતુ કે, આ ચાવી વળી ગઈ છે. તે થોડી વારમાં આવીને નવી ચાવી બનાવી આપશે. તેમ કહી આ બંને ગઠિયાઓ ત્યાંથી નીકળી ગયા હતાં. જોકે ફરિયાદીને શંકા જતા તેમણે લોકર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોક ના ખુલતા તેમણે લોક તોડી નાખ્યું હતું. ત્યારે જાણ થઈ હતી કે લોકરમાં મુકેલ રૂપિયા ૫૮,૫૦૦ના દાગીનાની ચોરી થઇ છે. જે બાબતની જાણ પોલીસને કરતા જ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.