ડ્રાયવરને માર મારનારી યુવતી સામે પગલાંની માગ

લખનૌ: યુપીની રાજધાની લખનૌમાં એક યુવતીનો ટ્રાફિક પોલીસકર્મીઓની સામે રોડની વચ્ચે જ એક કેબ ડ્રાઈવરને માર મારતો વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં છોકરી કેબ ડ્રાઈવરને માર મારતી જાેવા મળી રહી છે. જાે કે પોલીસ હવે આ કેસમાં તપાસની વાત કરી રહી છે, પરંતુ તેની કાર્યવાહી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર યુવતીની ધરપકડ કરવાની માંગ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવતી ચાલતા વાહનો વચ્ચે રોડ ક્રોસ કરતી જાેવા મળી રહી છે.
એક યુવતીએ શુક્રવારે રાત્રે એક કેબ ડ્રાઈવર પર અકસ્માતનો આરોપ લગાવતા માર માર્યો હતો. રોડની વચ્ચે જ યુવતીએ ડ્રાઈવરને ઘણી વખત થપ્પડ મારી અને ફોન છીનવી લીધો અને તેને તોડી નાંખ્યો. જ્યારે એક યુવક ડ્રાઈવરની મદદ માટે આગળ આવ્યો તો યુવતી તેની સાથે પણ ઝઘડવા લાગી. ત્યાં હાજર અન્ય લોકો ઘટનાનો વિડીયો બનાવતા જાેવા મળ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દરમિયાન આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને જાેતજાેતામાં ખૂબ જ વાયરલ થઈ ગયો છે.
વજીરગંજના રહેવાસી ઇનાયત અલીએ જણાવ્યું કે તેનો નાનો ભાઈ સહાદત અલી ઉબેર કાર ચલાવે છે. સહાદત શુક્રવારે રાત્રે સરોજનીનગર વિસ્તારમાં સવારી ઉતારીને ઘરે પરત ફરી રહ્યો હતો. જ્યારે રેડ સિગ્નલ થતાં તે કૃષ્ણનગરના અવધ ચોકડી પર રોકાઈ ગયો હતો. દરમિયાન પાછળથી આવેલી એક યુવતીએ કારને યોગ્ય રીતે ચલાવવી જાેઈએ તેમ કહીને બૂમો પાડવા માંડી હતી. આરોપ છે કે યુવતીએ ફોન છીનવીને તોડી નાખ્યો હતો અને કોલર પકડીને સહાદતને કારમાંથી નીચે ઉતાર્યો હતો.