Western Times News

Gujarati News

દેશમાં ત્રીજી લહેર શરૂ, પણ નેતાઓ સુધરતા નથી

દેશમાં કોરોનાએ આંતક મચાવ્યો છે પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટાએ અનેક નાગરિકોનો ભોગ લીધો હતો સરકારની તૈયારીઓ પણ અપુરતી સાબિત થઈ હતી અને હોસ્પિટલોની બહાર સારવાર લેવા માટે દર્દીઓને એમ્બ્યુલન્સમાં રાહ જાેવી પડી હતી.

સારવારના અભાવે તથા ઓક્સિજનના અભાવે સંખ્યાબંધ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે આવા કરૂણ દ્રશ્યો બીજી લહેરમાં જાેવા મળ્યા હતાં પરિસ્થિતિ માંડ થાળે પડી રહી હતી ત્યાંજ દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોનનો કેસ નોંધાતા વિશ્વભરના દેશોમાં ફફડાટ ફેલાયો હતો.

તમામ દેશોએ આ નવા વેરિયન્ટ સામે લડવા અગમચેતીના પગલાં ભરવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ ભારતમાં અપાયેલી છુટછાટના કારણે લોકો બેફિકર બની ગયા છે.

સરકારે વારંવાર ચેતવણી આપી હોવા છતાં બજારોમાં ખુલ્લેઆમ નાગરિકો ફરતા જાેવા મળ્યા છે. એટલું જ નહીં પરંતુ સરકારી ગાઈડ લાઈનનો પણ ભંગ થઈ રહયો છે. દેશભરમાં ઓમિક્રોનના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહયો છે. સાથે સાથે મુળ કોરોનાના કેસો પણ ચિંતાજનક રીતે વધવા લાગ્યા છે.

સરકાર માત્ર સામાન્ય નાગરિકોને સર્તક રહેવા માટે સુચનાઓ આપે છે પરંતુ ચિંતાજનક બાબત એ છે કે રાજકીય પક્ષોના નેતાઓ જાતે કોરોના પ્રુફ હોય તે રીતે સભા સરઘસો યોજી રહયા છે આ મુદ્દે દેશભરમાં ભારે ઉહાપોહ મચેલો છે પરંતુ નેતાઓ સુધરવાનું નામ લેતા નથી સભાઓમાં લોકોની ભીડ જાેતા તબીબો પણ ચોંકી ઉઠયા છે અને ભારતમાં આગામી દિવસો ખૂબ જ યાતના ભર્યાં સાબિત થશે તેવી દહેશત વ્યકત કરી રહયા છે.

કોરોનાની ત્રીજી લહેર દેશભરમાં શરૂ થઈ ગઈ છે અને રોજે રોજ કેસમાં ડબલ વધારો થઈ રહયો છે. એટલું જ નહી પરંતુ ત્રીજી લહેરમાં તો આપ ના નેતા કેજરીવાલ, ભાજપના સાંસદ મનોજ તિવારી, મહારાષ્ટ્રના મંત્રીઓ સહિત અનેક નેતાઓ કોરોનામાં સપડાયા છે અને સપડાયેલા નેતાઓ નિવેદન બાજી કરી રહયા છે કે તેમના સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવે.

દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરે અગાઉની બંને લહેરોના કેસની સંખ્યા વધારાના મુદ્દે રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગુજરાત સહિત અનેક રાજયોમાં પરિસ્થિતિ ધીમે ધીમે ઘાતક બનવા લાગી છે. ગંભીર બાબત એ છે કે જયાં પણ કોરોનાની ત્રીજી લહેરમાં કેસોનો રાફડો ફાટશે ત્યાં પરિસ્થિતિ ખુબ જ ખતરનાક બની જશે અને નવો વેરિયન્ટ પણ આજ વિસ્તારોમાં ફેલાશે જે માનવ જીંદગી માટે ખતરારૂપ બની જશે.

તબીબોએ આપેલી ચેતવણી છતાં હજુ પણ દેશના મોટાભાગના રાજયોમાં સરકારી ગાઈડલાઈનનો અમલ કરવામાં આવતો નથી. એટલું જ નહીં પરંતુ સરકારી તંત્ર પણ મુકપ્રેક્ષક બની ગયું હોય તે રીતે કોઈ જ કાર્યવાહી કરતુ નથી.

દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને હવે ૩.૨૪ ટકા થઈ ગયો છે અને એક્ટિવ કેસો ૧.૭૦ લાખથી વધુ થઈ ગયા છે. ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં ૧.૨૯ લાખ નવા કેસો મળ્યા છે. જ્યારે તેના અગાઉના સપ્તાહમાં ૪૭ હજાર નવા કેસો મળ્યા હતા. એટલે કે એક સપ્તાહમાં જ કેસ બમણાથી વધુ થઈ ગયા છે.

નવા વેરિએન્ટ ઓમિક્રોનના પણ દેશના ૨૩ રાજ્યોમાં ૧૮૦૦થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ ૫૬૮ કેસ મહારાષ્ટ્રમાં નોઁધાયા છે. બીજા નંબરે દિલ્હી ૩૮૨ કેસ સાથે છે. તેના પછી કેરળમાં ૧૮૫, રાજસ્થાનમાં ૧૭૪, ગુજરાતમાં ૧૫૨, તમિલનાડુમાં ૧૨૧ અને તેલંગણામાં ૬૭ કેસ છે. તેના ૭૬૬ દર્દી સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્ર લાંબા સમયથી કોરોનાનું હોટસ્પોટ બનેલું છે. પરંતુ ઓમિક્રોનની એન્ટ્રી પછી અહીં કેસોએ ઝડપથી ગતિ પકડી છે. ૧૦ હજારથી વધુ એક્ટિવ કેસોની સાથે મહારાષ્ટ્ર દેશમાં ટોચ પર છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના પણ સૌથી વધુ કેસો છે. ૩ જાન્યુઆરીએ મળેલા ૧૨૧૬૦ કેસોમાંથી ૮ હજારથી વધુ માત્ર મુંબઈમાં છે.

દિલ્હીમાં ૩ જાન્યુઆરીએ ૪૦૯૯ નવા કેસો મળ્યા છે. અહીં પોઝિટિવિટી રેટ ૮.૩૭ના ખતરનાક સ્તરે પહોંચ્યો છે. દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે શનિવારે-રવિવારે ટેસ્ટ કરાયેલા કુલ સેમ્પલ્સમાંથી ૮૧%થી વધુ ઓમિક્રોનના કારણે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. કેજરીવાલે ટ્‌વીટ કરીને તેની જાણકારી આપી છે.

બિહારમાં જાન્યુઆરીના પ્રારંભિક ૩ દિવસમાં જ કોરોનાએ એક મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ડિસેમ્બરના ૩૧ દિવસમાં ૬૭૩ નવા કેસ આવ્યા હતા, તો જાન્યુઆરીના માત્ર ૩ દિવસમાં જ ૯૭૭ નવા કેસ આવ્યા છે. મુખ્યમંત્રી આવાસમાં કામ કરનાર એક રસોઈયો કોરોના સંક્રમિત થઈ ચૂક્યો છે. પટણાની નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના અનેક ડોક્ટરો પણ પોઝિટિવ મળ્યા છે. ગુજરાતમાં ૩ જાન્યુઆરીએ ૧૨૫૯ નવા કેસો મળ્યા છે. લગભગ ૭ મહિના પછી પ્રથમવાર એક દિવસમાં આટલા કેસ મળ્યા છે. સૌથી વધુ ૬૪૪ કેસ અમદાવાદમાં જ્યારે સુરત બીજા ક્રમે રહ્યું છે.

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ચેતવણી જાહેર કરી છે કે ઓમિક્રોન જેટલો ઝડપથી ફેલાશે એટલા જ ઝડપથી નવા વેરિયન્ટ આવવાની સંભાવના છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. નવા વેરિયન્ટ જીવલેણ પણ બની શકે છે.

અગાઉ મળેલા કોવિડ વેરિયન્ટ્‌સની તુલનામાં ઓમિક્રોન ઓછો ઘાતક છે. એવામાં મહામારી સમાપ્ત થવા અને જન-જીવન ફરી સામાન્ય થાય એવી આશા ઊભી થઈ છે. જાેકે WHOના સિનિયર ઈમર્જન્સી ઓફિસર કેથરીન સ્મોલવુડનું કહેવું છે કે ઓમિક્રોનનું ઝડપી સંક્રમણ ગંભીર પરિણામો આપી શકે છે.

કેથરીને કહ્યું હતું કે ઓમિક્રોન આ સમયે પણ ઘાતક છે, એનાથી મોત પણ થઇ શકે છે. મોતનો દર ડેલ્ટાથી થોડો ઓછો હોઈ શકે છે, પરંતુ કોને ખબર આગળનો વેરિયન્ટ કેટલો ઘાતક આવશે. ભવિષ્યમાં નવા ખતરનાક વેરિયન્ટ આવી શકે છે. યુરોપમાં અત્યારસુધીમાં કોરોના સંક્રમિતોના ૧૦૦ કરોડથી વધુ કેસ નોંધાયા છે. ૨૦૨૧ના ??છેલ્લા સપ્તાહમાં અહીં ૫૦ લાખથી વધુ કેસ મળ્યા છે. કોવિડ સંક્રમણનો વધતો ગ્રાફ ચિંતાજનક છે.

હાલમાં જ નીતિ આયોગે ચેતવણી આપી હતી કે બ્રિટન અને ફ્રાંસ જેટલો ઓમિક્રોન ફેલાવા પર ભારતમાં ડેઈલી કોવિડ કેસો ૧૩-૧૪ લાખ સુધી જઈ શકે છે. છેલ્લા બે દિવસમાં જે ઝડપથી કોરોનાની ગતિ વધી છે તેનાથી આ આશંકા સાચી સાબિત થતી દેખાઈ રહી છે.

ભારતમાં અત્યારે વયસ્ક જનસંખ્યાના ૬૧ ટકાને જ વેક્સિનના બંને ડોઝ લાગ્યા છે, એવામાં દેશની એક મોટી આઝાદી પર ઓમિક્રોનનું જાેખમ ઘેરાયું છે.
દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે તેમ છતાં આપણાં રાજકારણીઓ બેખૌફ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા રેલી અને સભાઓ કરી રહ્યાં છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડાવતા આ નેતાઓ પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડવાના હેતુસર લાખોની સંખ્યામાં લોકોને એકઠાં કરીને સભા અને રેલીઓને સંબોધે છે. કોરોનાના નવા વેરિયન્ટને કારણે રોજ હજારો લોકો સંક્રમિત બની રહ્યાં છે. તેમ છતાં મત માટે લોકોના જીવને જાેખમમાં મુકતા આ નેતાઓ સુધરવાનું નામ જ નથી લેતા. ત્યારે આવા જ કેટલાંક નેતાઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

દેશમાં મહામારીની ગતિ ચાર ગણી ઝડપથી વધી રહી છે. સોમવારે ફરી એકવાર દેશમાં ૩૭,૩૭૯ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. ગયા વર્ષે ૧ ડિસેમ્બરે દેશમાં સંક્રમિતોની સંખ્યા ૯૭૬૫ જેટલી હતી. આવી સ્થિતિમાં છેલ્લા એક મહિનામાં જ સંક્રમણમાં ૪ ગણો વધારો નોંધાયો હતો.૧૧,૦૦૭ લોકો સાજા થયા છે, જ્યારે ૧૨૪ લોકોનાં મોત થયાં છે. એક્ટિવ કેસ વધીને ૧ લાખ ૭૧ લાખ ૮૩૦ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.