ધારાવી મૉડલે લોકોને કોરોના સામે લડાઈનો માર્ગ બતાવ્યો
મુંબઈ: એશિયાના સૌથી મોટા સ્લમ તરીકે જાણીતા ધારાવીમાં ભલે કોરોના કાળથી સંક્રમણને લઈને ચિંતાની સ્થિતિ દેખાઈ હોય, પરંતુ આ વિસ્તારમાં કોરોના સામેની લડાઈ આખી દુનિયા માટે મૉડલ બની ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પછી વર્લ્ડ બેંકએ મુંબઈના ધારાવીમાં કોરોના વાયરસ સંક્રમણ રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની પ્રશંસા કરી છે. વર્લ્ડ બેંકે કહ્યું કે સમસ્યાને અનુરૂપ સમાધાન મળશે અને સામુદાયિક સ્તર પર સહભાગિતાના કારણે ધારાવીમાં સંક્રમણને ફેલાતું રોકવામાં સફળતા મળી. વર્લ્ડ બેંકે પોતાના દ્વિવાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે મેમાં સંક્રમણના સૌથી વધારે કેસ હતા,
જે જરુરી પગલા ઉઠાવવાના કારણે ત્રણ મહિના બાદ જુલાઈમાં ૨૦% કેસ ઘટી ગયા. હવે આ રીતે ભીડવાળી જગ્યા પર જે રીતે કોરોના વાયરસને હરાવ્યો છે તે જોતા દુનિયાના બાકીના દેશોને અચરજ થઈ રહ્યું છે. કોરોનાને હરાવવા માટે અહીં લોકો અને વહીવટી તંત્રની મહેનત ફળી છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં અધિકારીઓએ ધારાવીમાં તાવ અને ઓક્સિજનના સ્તરમાં ઘટાડાવાળા દર્દીઓની મોટા પ્રમાણમાં તપાસ કરીને રણનીતિ હેઠળ પ્રયાસ કર્યા.
લોકોને આ તપાસ અભિયાનમાં જોડવામાં આવ્યા. આટલું જ નહીં પ્રાઈવેટ હોસ્પિટલોમાં કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા, જેનાથી વાયરસ ઝડપથી ફેલાવાથી રોકી શકાય. જણાવી દઈએ કે ધારાવી દુનિયાની સૌથી મોટા ઝુપડપટ્ટી વિસ્તારમાંથી એક છે. આ અઢી કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. ધારાવીમાં લગભગ ૮ લાખ લોકો રહે છે. મુંબઈમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ ૧૧ માર્ચે સામે આવ્યો હતો.
ધારાવીમાં એક એપ્રિલના રોજ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ધારાવીમાં કોરોના વાયરસ આવ્યા બાદ ત્યાં વાયરસને ફેલાતો અટકાવવો મુશ્કેલ બની જશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી હતી કારણ કે આ ભીડવાળો પ્રદેશ છે. જોકે, આ પછી વિવિધ રિપોર્ટ્સ આવ્યા તેના પરથી જોવા મળ્યું કે અહીં એન્ટીબોડી અને લોકોનો સહકાર મહત્વના સાબિત થયા જેના કારણે કોરોના વાયરસ પર કાબૂ મેળવવાનું મહત્વનું સાબિત થયું. હવે આ પછાત વિસ્તારમાં જે રીતે લોકોએ કોરોનાને હરાવ્યો છે તે દુનિયાના બાકી કોરોનાથી પીડિત લોકો માટે મૉડલ બની રહ્યું છે.