ધોળકામાં ૫૦ બેડનું કોવીડ કેર સેન્ટર કાર્યરત : વિના મૂલ્યે થશે દર્દીઓની સારવાર
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શનમાં ધોળકામાં દર્દીનારાયણની સેવામાં કોવીડ કેર સેન્ટર કાર્યરત
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે કોવીડ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધોળકાના રાધે ગેસ્ટહાઉસમાં કાર્યરત કરાયેલી આ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા પણ ઉપ્લબ્ધ હશે. આ કોવીડ કેર સેન્ટરનો લાભ ધોળકા અને આસપાસના ગામડાના પ્રજાજનોને મળશે.
આ કોવીડ કેર સેન્ટરના સંચાલન માટે રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓ આગળ આવી છે. કોવીડ કેર સેન્ટરને કાર્યરત કરવામાં કેડિલા ફાર્માસ્યૂટિકલ્સ, રેડક્રોસ સોસાયટી, ધોળકા સેવા મંડળ, માનવમંદિર બગોદરા અને અન્નક્ષેત્ર ધોળકાનો સહયોગ પ્રાપ્ત થયો છે.
ઉલ્લેખનીય છે કે કેડિલા ફાર્માસ્યૂટિકલ્સ દ્વારા તબીબી સ્ટાફ ઉપ્લબ્ધ કરાવાશે, જયારે નગરપાલિકામાં સાફસફાઈની કામગીરી ધોળકા નગરપાલિકાનો સ્ટાફ કરશે.આ હોસ્પિટલમાં દર્દી માટે ભોજનની વ્યવસ્થા, નાસ્તો, ઉકાળા અને દવા વગેરે જેવી તમામ સુવિધા નિશુલ્ક રહેશે.
ધોળકા રેસ્ટ હાઉસ ખાતે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ કોરોના નિયંત્રણ માટે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં પ્રાંત અધિકારી શ્રી આર.એમ. જાલંધરા અને ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી રિનાબહેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તથા પ્રાંત અધિકારીશ્રીએ કલીકુંડ મંદિરના ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક કરી હતી.આ બેઠકમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત દ્વારા ૩૦ ઓક્સિજન બોટલ ખરીદવા તથા બાયપેપ મશીન ખરીદવા માટેની સૂચના આપવામાં આવી હતી.ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં તેમની ગ્રાંટમાંથી ૧૦ બાયપેપ મશીનની ખરીદીની સૂચના આપી હતી.
આ કોવીડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે દસક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.