નવા વર્ષના પ્રારંભે અભિનેતા નિશાંત મલકાણીને અકસ્માત
મુંબઈ: આખી દુનિયા જ્યારે નવા વર્ષની ઉજવણીમાં મસ્ત હતી ત્યારે એક્ટર નિશાંત સિંહ મલકાણી જીવ બચાવવા માટે ઈશ્વરનો પાડ માની રહ્યો હતો. રાજસ્થાનના જેસલમેર સુધી નિશાંત કાર ચલાવીને ગયો હતો. કામ કમ ટ્રીપ માટે નિશાંત પોતાના મિત્રો સાથે જેસલમેર ગયો હતો ત્યારે એક્સિડન્ટ નડ્યો હતો.
જેમાંથી તે માંડ માંડ બચ્યો છે. અકસ્માતની પુષ્ટિ કરતાં નિશાંતે વાતચીત કરી હતી. નિશાંતે કહ્યું, “ચિંતાની વાત નથી અને હું એકદમ બરાબર છું, મને કોઈ ઈજા નથી થઈ. હા, પણ ગાડીને ખૂબ નુકસાન થયું છે અને કારને કાઢવા માટે ક્રેન બોલાવી પડી હતી. ભગવાનની કૃપા અને મારી મમ્મીના આશીર્વાદથી હું એકદમ સ્વસ્થ છુ.
ગુડ્ડન તુમસે ના હો પાયેગા સીરિયલનો એક્ટર પોતાની એસયુવી ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે રોંગ સાઈડથી આવી રહેલી કારે ટક્કર મારી હતી. નિશાંતે ઘટના યાદ કરતાં કહ્યું, હું ડ્રાઈવિંગ કરી રહ્યો હતો અને અચાનક મેં જાેયું કે સામેની બાજુથી એક કાર રોંગ સાઈડ આવી રહી છે.
રોડ થોડો ઢાળવાળો હતો માટે અમારો જીવ બચાવવા મેં કાર રોડની નીચે ઉતારી પરંતુ ખાસ ફાયદો ના થયો. મેં મારી કાર ડાબી બાજુ ખસેડી પરંતુ સામેથી આવી રહેલી કાર અથડાઈ જ ગઈ.
ઈશ્વરની કૃપાથી ખાલી કારને જ નુકસાન થયું અને અંદર બેઠેલા અમે સૌ સલામત છીએ. આશ્ચર્યની વાત તો એ છે કે, અમારી ગાડી સાથે એક્સિડન્ટ કરનાર શખ્સ તરત જ ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં જેમ તેમ કરીને અમે હોટલે પહોંચ્યા હતા. નિશાંતનો અકસ્માત ૩૧ ડિસેમ્બરની રાત્રે ૧૧ વાગીને ૫૯ મિનિટે થયો હતો.
એક્ટરે કહ્યું, ચોંકાવનારી વાત એ છે કે એક્સિડન્ટ એક્ઝેટ રાત્રે ૧૧.૫૯ કલાકે થયો હતો. ૧૨ના ટકોરે નવા વર્ષની ઉજવણી કરવા આખી દુનિયા આતુર હતી તેની એક મિનિટ પહેલા અમને અકસ્માત નડ્યો હતો. નિશાંતની આ પહેલી રોડ ટ્રીપ હતી અને તેમાં જ એક્સિડન્ટ થતાં તે આને કદી નહીં ભૂલે.
નિશાંતે કહ્યું, હું ક્યારેય રોડ ટ્રીપ પર નથી ગયો અને જ્યારે જેસલમેર જવાનું થયું ત્યારે મેં ડ્રાઈવ કરીને અને મારા કેટલાક મિત્રોને સાથે લઈ જવાનું વિચાર્યું. મારું કામ પૂરું થાય પછી ત્યાં રોકાઈને રાજસ્થાનના રણમાં નવા વર્ષની ઉજવણી કરવાની અમે યોજના બનાવી હતી. કમનસીબે આ એક્સિડન્ટ થયો.