Western Times News

Gujarati News

નિકોલમાં યુવાને જાહેરમાં આધેડ મહિલા પાસે બિભત્સ માંગણી કરી

કૃષ્ણનગરમાં એકતરફી પ્રેમી સહકર્મચારીએ યુવતીને એસિડ એટેકની ધમકી આપી

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં યુવતીઓ- મહીલાઓ સાથે કરવામાં આવતા અણછાજતાં વર્તનની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે એક તરફ સરકાર દ્વારા બેટી પઢાવો, બેટી બચાવો અને મહીલા સશક્તિકરણની  વાતો થઈ રહી છે ત્યારે સમાજમાં રહેલા કેટલાંક વિકૃત માનસિકતાવાળા શખ્સોએ મહીલાઓ માટે જાહેરમાં એકલા નીકળવાનું હરામ કરી નાખ્યું છે.


હાલના સમયમાં એકલી બહાર નીકળતી મહીલા ક્યારે તેની સાથે શું બનશે તેવા વિચારોમાં જ ડરી ડરીને જીવી રહી છે. ત્યારે સમાજને લાંછન લગાવતા વધુ બે કિસ્સા નિકોલ અને કૃષ્ણનગરમાંથી સામે આવ્યા છે. નિકોલમાં આધેડ વયની મહીલા કોઈ કારણોસર ઘર નજીક દુકાને ગઈ હતી ત્યારે એક વિકૃત શખ્સે તેમનો પીછો કરીને જાહેરમાં જ તેમની સમક્ષ બિભત્સ માંગણી કરતા ચકચાર મચી છે.

આ શખ્સે પોતાની સાથે પ્રેમ સંબંધ ન રાખે તો મહીલાને અને તેના પરિવારને પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી જયારે ક્રિષ્ણાનગરમાં સાથે કામ કરતી એક યુવતી સાથે એક તરફી પ્રેમ ધરાવતા યુવાને યુવતી પર એસીડ એટેક કરવાની ધમકી આપતાં તે પોલીસ સ્ટેશને પહોંચી છે.

સુમિત્રાબેન (નામ બદલ્યું છે) નામની મહીલા નિકોલ નરોડા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહે છે તેમના પતિ દરજીકામ કરે છે જયારે મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે. ગઈકાલે વહેલી સવારે સાત વાગ્યે સુમિત્રાબેન દુધ લેવા માટે ઘર નજીક આવેલી ડેરી ઉપર ગયા હતા ત્યારે એક શખ્સે તેમનો પીછો કર્યો હતો દુધ લઈને તે પરત ફરતા હતા ત્યારે મૈસુર ઢોસા હાઉસ સામે એએમટીએસ બસ સ્ટોપ નજીક પહોચતા જ આ શખ્સે તેમને હું તમને પસંદ કરું છું એમ કહીને બિભત્સ માંગણી કરી હતી.

જેનો ઈન્કાર કરતાં ર૯ વર્ષીય આ શખ્સે સુમિત્રાબેનને પોતાની સાથે પ્રેમસંબંધ ન રાખે તો તેમને તથા તેમના પરીવારને મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ગભરાઈ ગયેલા સુમિત્રાબેને પોતાના પુત્રને ફોન કરતાં તે આવી ગયો હતો દરમિયાન પોલીસ પણ ત્યાં આવી જતા આ વિકૃત શખ્સને ઝડપી લીધો હતો અને તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ જીગેશ મગનભાઈ પટેલ (અક્ષર વિલા ફલેટ, રતનબા સ્કુલ પાસે, કૃષ્ણનગર) હોવાનું જણાવ્યું હતું પોલીસે તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે કૃષ્ણનગરમાં આવેલા હાઉસીંગના મકાનમાં રહેતા સાક્ષી શાહે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ આપી છે કે પોતે કૃષ્ણનગરમાં સિનેપ્રાઈડ ઓફીસમાં નોકરી કરતી હતી ત્યારે સુપરવાઈઝર પ્રવીણ નટવરભાઈ રાઠોડ સાથે ઓળખ થઈ હતી અને પોતે ભાઈ માની તેની સાથે વાત કરતી હતી. જાકે આનો અવળો અર્થ કાઢી પ્રવિણ અવારનવાર મેસેજ કરી સાક્ષીબેનને પોતાની સાથે ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હતો.

પરંતુ સાક્ષીબેને તેને ઈન્કાર કરતા ઓફીસની બહાર જ તેમને રોકીને પ્રવિણે એસિડ એટેક કરવાની ધમકીઓ આપી હતી. બાદમાં પ્રવિણે સાક્ષીબેન સાથે પોતાના ફોટા મોર્ક કરીને વાયરલ કરી દેતા વ્યથિત બનેલા સાક્ષીબેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશને પહોચ્યા હતા પોલીસે પ્રવીણને ઝડપીને યોગ્ય પગલાં લેવાની દિશામાં કાર્યવાહી ચલાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.