નેતાઓ મત વિસ્તારમાં આવતા નથી તેવી ફરિયાદો, ધારાસભ્યો-સાંસદો બહાર જાય તો આગેવાનોને જાણ કરો
નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવુંઃ પાટીલ- પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી
વલસાડ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે વલસાડ જિલ્લાના વાપીની મુલાકાતે હતા. જ્યાં સી.આર પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં સી.આર પાટીલે ભાજપના પેજ કમિટી અને તેની તાકાત અને ભાજપના સંગઠનની શક્તિ વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. સીઆર પાટીલે કોઈપણ ચૂંટણી જીતવા એકલી લોકપ્રિયતા નહિ, પરંતુ સંગઠનની શક્તિ અને કાર્યકર્તાઓની ફોજ હોવી ખૂબ જ જરૂરી છે તેવું જણાવ્યું હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખે સંબોધનમાં ટિકિટ ન મળતા નારાજ થતા અને પાર્ટી બદલતા નેતાઓ અને કાર્યકર્તાઓને પણ આડકતરી રીતે ઈશારો કરીને જણાવ્યું હતું કે, હવે પાર્ટીમાંથી ટિકિટ નહીં મળતા નારાજ થતાં કે પાર્ટી બદલતા નેતાઓએ પણ સમજવાની જરૂર છે કે, પેજ કમિટીની તાકાત એટલી છે કે હવે કોઈ એક વ્યક્તિ નારાજ થાય તો પાર્ટી પરિણામ બદલાશે તેવું કોઈ વિચારી રહ્યું હોય તો એ ખોટું છે.
કારણ કે આજે ચૂંટણી જીતાડવા માટે કાર્યકર્તાઓની ફોજ અને પેજ કમિટિની તાકાત પર જ ચૂંટણીનું પરિણામ આવે છે. હવે ધારાસભ્યોને પેજ કમિટીની તાકાતનું ભાન થયું છે. નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવું જાેઈએ. નેતાઓ મત વિસ્તારમાં આવતા નથી તેવી ફરિયાદો ઉઠી છે. ધારાસભ્યો, સાંસદો બહાર જાય તો આગેવાનોને જાણ કરો.
બહાર જાઓ તો જાણ કરો એટલે લોકોની ફરિયાદો ન ઉઠે. જ્યાં પાટીલે કહ્યું કે, કોંગ્રેસને હરાવવા કરતા તેમના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય તેવી મહેનત કરવાની છે અને ધારાસભ્યો-સાંસદો પોતાના મતવિસ્તારોમાં સંગઠનના કામકાજ અર્થે જાય ત્યારે જે-તે સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોને વોટ્સએપ ગ્રુપમાં જાણ કરવાનું રાખો એટલે પોતાના મતવિસ્તારમાં નેતાઓ આવતા જ નથી તે ફરિયાદ દૂર થઈ જાય. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો પછી પેજ કમિટીની તાકાતનું હવે ધારાસભ્યોને ભાન થયું છે.
સીઆર પાટીલે પોતાના આગવા અંદાજમાં તડ અને ફડની ભાષામાં કાર્યકર્તાઓ અને પાર્ટીના અગ્રણીઓને પણ માર્ગદર્શન આપ્યું હતું. સાથે પાર્ટીના હોદ્દેદારો અને અગ્રણીઓને કાર્યકર્તાના માન-સન્માન જાળવવા પણ ટકોર કરી હતી.
પાર્ટીના કાર્યક્રમમાં પાર્ટીના અગ્રણીઓ અને હોદ્દેદારોને પણ કાર્યકર્તાઓની સાથે સ્ટેજની નીચે બેસવાની તૈયારી રાખવા માટે પણ જણાવ્યું હતું. સીઆર પાટીલે ભાજપના પ્રમુખને ટકોર કરી કે, નેતાઓએ પણ કાર્યકર્તા જ બનીને રહેવું, ડાયઝ પર કે સ્ટેજ પર બેસવું નહિ.
આમ વિધાનસભા બેઠકના પેજ કમિટીના સંમેલનમાં સીઆર પાટીલે જિલ્લાના ધારાસભ્યોને પણ પેજ કમિટીનું સોંપેલું ટાર્ગેટ નિર્ધારિત સમયમાં જ પૂરો કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું, અને જે નહીં કરી શકે તો અન્ય નામનો પણ વિચાર કરવામાં આવશે તેવી પણ જાહેરમાં ધારાસભ્યોને ચીમકી આપી હતી. આગામી સમયમાં વાપીમાં આવી રહેલ નગરપાલિકાની ચૂંટણીમાં પેજ કમિટીના સહારે વાપી પાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા હાકલ કરી હતી.
આ પ્રસંગે રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ પ્રધાન અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ અને રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી ધારાસભ્યો અને સાંસદ સહિત અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ વાપી નગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રસમાં ગાબડું પાડ્યુ હતું. સીઆર પાટીલની અધ્યક્ષતામાં ૩૫૦ લોકો ભાજપમાં જાેડાયા હતા. પાટીલના હસ્તે ૩૫૦ લોકોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. જાેડાયેલા ૩૫૦ લોકોમાંથી મોટા ભાગના મુસ્લિમ ધર્મના છે.