નેહા તેમજ રોહનપ્રીતના લગ્ન ૨૬ ઓક્ટોબરે થશે
મુંબઈ: છેલ્લા થોડા દિવસોથી નેહા કક્કરના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. અત્યાર સુધી નેહાએ રોહનપ્રીત સુધીની રિલેશનશીપ છુપાવી હતી. જો કે, હવે તેણે અને સિંગર રોહનપ્રીતે રિલેશનશીપ સ્વીકારી લીધી છે. ચર્ચા હતી તે પ્રમાણે, ખરેખર નેહા અને રોહનપ્રીતના લગ્ન ઓક્ટોબરના અંતે થઈ રહ્યા છે.
રોહનપ્રીત અને નેહા કક્કરના લગ્ન વિશે સિંગર આદિત્ય નારાયણે વિગતો પણ આપી છે. હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં આદિત્યએ પોતાના લગ્નની સાથે નેહા કક્કરના લગ્નની પણ વિગતો જાહેર કરી છે. ઈન્ડિયન આઈડલની જજ નેહા કક્કર અને રિયાલિટી શોના સિંગર રોહનપ્રીત સિંહ આ મહિનાના અંતે લગ્નગ્રંથિથી જોડાશે તેવી ચર્ચા હતી.
હવે લગ્નની તારીખ પણ આવી ગઈ છે. રિપોર્ટ મુજબ, રોહનપ્રીત અને નેહા ૨૬ ઓક્ટોબરે લગ્ન કરશે. રોહનપ્રીત સિંહ અને નેહા કક્કરના નજીક મિત્ર આદિત્ય નારાયણે કહ્યું, નેહા મારી મિત્ર છે અને હું તેના માટે ખુશ છું. ૨૦૦૮માં રોહનપ્રીત સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સનો સેકન્ડ રનર-અપ હતો ત્યારથી હું તેને ઓળખું છું. આ શો મેં હોસ્ટ કર્યો હતો. મને આનંદ છે કે મારા બે મિત્રો લગ્ન કરી રહ્યા છે. નેહાના લગ્નમાં આદિત્ય હાજરી આપશે કે નહીં તે વિશે તેણે કહ્યું, મને લગ્નમાં હાજરી આપીને આનંદ થાત પરંતુ લગ્ન દિલ્હીમાં છે.
મારા ખભામાં ઈજા થઈ છે એટલે મને ખબર નથી કે હું જઈ શકીશ કે કેમ. વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા સહિતના મ્યૂઝિક રિયાલિટી શોના તમામ લોકો લગ્નમાં જઈ રહ્યા છે. જણાવી દઈએ કે, અગાઉ નેહા અને રોહનપ્રીતની સોશિયલ મીડિયા પોસ્ટમાં એકબીજાની કોમેન્ટ્સે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેના કારણે જ તેમના અફેરની ચર્ચાને વેગ મળ્યો હતો. જો કે, બાદમાં પુષ્ટિ કરી હતી કે, નેહા અને રોહનપ્રીત ખરેખર લગ્ન કરી રહ્યા છે. નેહા અને રોહનપ્રીતે હવે સોશિયલ મીડિયા પર પોતાની રિલેશનશીપ કન્ફર્મ કરી દીધી છે.