નોકરી પતાવી ઘરે જતાં બે યુવકોને રીક્ષા ચાલક સહીત ચાર લુંટારાઓએ લુંટી લીધા
રીક્ષા ગેંગનો ત્રાસ શહેરમાં યથાવતઃ શાહીબાગમાં ફરીયાદ દાખલ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં રથયાત્રાનો તહેવાર હોઈ સમગ્ર શહેરની મોટાભાગની પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતી એ દરમ્યાન લુંટારા તથા તસ્કરોને છુટો દોર મળી ગયો એમ લાગી રહયું છે. ગુરુવારે મધરાત્રે શાહીબાગ ખાતે આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં નોકરી પતાવીને ઘરે પરત ફરી રહેલા બે યુવાનોને લુંટારુઓએ લુંટી લીધા હતા.
આ અંગેની ફરીયાદ આપતાં દિપક પરમારે જણાવ્યું હતું કે તે ગિરધરનગર ખાતે રહે છે. તથા અરવિંદમીલમાં નોકરી કરે છે. ગુરુવારે રાત્રે નોકરી પતાવી આશરે બાર વાગે દિપકભાઈ તથા તેમનાં મિત્ર વિજય પરમાર ઘરે ચાલતા જઈ રહયાં હતાં. બંને મિત્રો ચામુંડા બ્રિજ પરથી ચમનપુરા તરફ ઉતરી રહયાં હતા. એ વખતે એક રીક્ષા તેમની આગળ આવીને ઉભી રહી હતી અને તેમાંથી ચાર માણસો ઉતર્યા હતા.
જેમણે કાલુપુર જવાનો રસ્તો પુછતાં દિપકે તેમને રસ્તો બતાવ્યો હતો. ત્યાં સુધી ચારેય શખ્સો તેમની આસપાસ ગોઠવાઈ ગયા હતા. બાદમાં દિપક તથા વિજયને ચપ્પુ બતાવીને બંનેનાં પાકીટ તથા મોબાઈલ ફોનની લુંટ ચલાવી હતી. બાદમાં ચમનપુરા સર્કલ તરફ રીક્ષા ડ્રાઈવર સહીત ચારેય ભાગી છુટયા હતા. આ અંગે દિપકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી લુંટારાઓની ઓળખ હાથ ધરી છે.