Western Times News

Gujarati News

દારૂ- જુગારની પ્રવૃતિ ડામવા એકશન પ્લાન

 

ગુનેગારો સાથે ધરોબો ધરાવતા પોલીસ કર્મી સામે વધુ કડક પગલા : પોલીસ સ્ટેશનોના
વહિવટદારોની યાદી તૈયાર : જીલ્લા બહાર બદલી સુધીના પગલાં ભરવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવી દેવા પોલીસ કમિશ્નરની સૂચના હોવા છતાં શહેરભરમાં છૂટા છવાયા અને ચોરી છૂપીથી સંખ્યાબંધ દારૂ- જગારના અડ્ડાઓ ચાલતા હોઈ અને આ પ્રકારની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરી દેવા માટે પોલીસ તંત્ર ધ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આ એકશન પ્લાન મુજબ દારૂ અને જુગારની ગેરકાનુની પ્રવૃતિ સામે આંખ આડા કાન કરતા ભ્રષ્ટ પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવામાં પણ આવનાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે એ.કે.સિંહે જયારથી શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગુનેગારો ભુગર્ભમાં ચાલ્યા ગયા છે અને શહેરમાં દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ થઈ ગયા છે પોલીસ કમિશ્નરનો હુકમ હોવા છતાં જે તે વિસ્તારમાં આ પ્રકારની ગેરકાનુની પ્રવૃતિ ચાલતી હતી ત્યાં દરોડા પાડી જે તે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા હતા.

આમ છતાં દારૂ- જુગારના અડ્ડા બંધ કરાવવામાં પોલીસને ધારી સફળતા મળી ન હતી. કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને લાગવગ ધરાવતા વહિવટદારો તેમજ ગુનેગારોની સાંઠગાંઠના કારણે ચોરી છૂપીથી શહેરના અનેક વિસ્તારોમાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃતિ ચોરી છૂપીથી ચાલુ રહેતા પોલીસ સત્તાવાળાઓએ લાલ આંખ કરી દારૂ- જુગારની પ્રવૃતિ સંપૂર્ણપણે ડામી દેવા માટે એક એકશન પ્લાન બનાવવાનું નકકી કર્યું છે. આ એકશન પ્લાનનો અગામી થોડા દિવસમાં જ અમલ શરૂ કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે રાજયના પોલીસ વડા, અમદાવાદના પોલીસ કમિશ્નર વચ્ચે ચાલતી ખેચતાણના પરિણામે જયારે શહેર પોલીસ બદનામ થઈ રહી છે ત્યારે હવે પોલીસ કમિશ્નરે આ દિશામાં વધુ કડક પગલાં ભરવા માટે એક ખાસ આયોજન કર્યું છે તાજેતરમાં ડી.જી.પી.ના સ્કવોર્ડે કાગડાપીઠ વિસ્તારમાં ચાલતી જુગારની કલબ પર દરોડો પાડી શહેર પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાડતા શહેર પોલીસ તંત્ર શરમજનક હાલતમાં મુકાઈ ગયું છે.

બીજી તરફ વિદેશી દારૂની બોટલની હોમ ડીલીવરી કરવાનું ચલણ પણ વધી ગયું છે પોલીસને એક પણ રૂપીયો આપ્યા વગર બુટલેગરો દારૂની બોટલની હોમડીલવરી કરી મોટી કમાણી કરે છે હવે આ પ્રકારની બુટલેગરોની મોડસ ઓપરેન્ડીને ડામી દેવા ખાસ સ્કવોડ બનાવવામાં આવનાર છે. આ સ્કવોડમાં પ્રમાણીક અને હોશીયાર પોલીસ કર્મીની નિમણુંક કરવામાં આવશે.

બીજી તરફ જે પોલીસ કર્મી અને ખાસ કરીને જે તે પોલીસ સ્ટેશનના વહિવટદારો કે જે ગુનેગારો સાથે ધરોબો ધરાવતા હોય છે તેવા પોલીસ કર્મી અને વહિવટદારોની જીલ્લા બહાર બદલી કરવામાં આવનાર છે અને જે વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃતિ પકડાશે તે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારી સામે વધુ આકરા પગલાં ભરવા પણ વિચારવામાં આવી રહયું છે.

શહેરના ગોમતીપુર, બાપુનગર, ઓઢવ, નરોડા, સરદારનગર, રખીયાલ, દાણીલીમડા, વટવા, કાગડાપીઠ, શહેરકોટડા અને મણીનગર જેવા વિસ્તારોમાં ચોરી છૂપીથી દારૂ અને જુગારની ઠેર ઠેર પ્રવૃતિ ચાલતી હોવાની વાત ધ્યાન પર આવતા શહેર પોલીસ સત્તાવાળાઓ આ તમામ વિસ્તારોના ઈન્ચાર્જ પોલીસ અધિકારીને એક પરિપત્ર પાઠવી આ પ્રકારની ગેરકાનુની પ્રવૃતિ સામે કડક હાથે કામ લેવા સૂચના આપી છે.

આ ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં આવેલ હોટલો, ગેસ્ટ હાઉસોમાં જુગાર રમાડાતો હોવાની વાત પણ ધ્યાન પર આવતા હોટલો અને ગેસ્ટહાઉસનું કડક ચેકીંગ કરવા પણ સૂચના આપવામાં આવી છે. બુટલેગરો સ્થાનિક પોલીસ અને હાઈવે પર ફરજ બજાવતી પોલીસ સાથે સાંઠગાંઠ કરી વિદેશી દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડી દેતા હોવાથી હાઈવે પરનુ પેટ્રોલીનું સઘન કરી દેવામાં આવશે અને રાતભર વાહનોની કડક ચેકીંગ કરવામાં આવશે. આ ગેરકાનુની પ્રવૃતિની પોલીસ સુધી જાણ કરનાર બાતમીદારોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે.

શહેર પોલીસ કમિશનરના કડક વલણના કારણે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને વહિવટદારો ફફડી ઉઠયા છે અને પોતાની બદલી કરાવી નાંખવાની વેતરણમાં પડી ગયા છે. એક માહિતી પ્રમાણે અગાઉના સમયમાં જે તે પોલીસ સ્ટેશનના વહિવટદારોની જીલ્લા બહાર બદલી કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા હતા પરંતુ લાગવગીયા વહિવટદારો પોતાની વગનો ઉપયોગ કરી ફરી પાછા બદલી કરાવી શહેરમાં આવી ગયા છે ત્યારે હવે ફરી આવા વહિવટદારોની ગુપ્તરાહે યાદી તૈયાર થઈ રહી છે અને વહિવટદારો સામે કડક પગલાં ભરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.