Western Times News

Gujarati News

ઘણાં લોકો કે.જી. કર્યા વિના જ સીધા ધોરણ-૧માં ભણ્યા હતાઃ હાઇકોર્ટ

Files Photo

અમદાવાદ, ધો.૧માં પ્રવેશની છ વર્ષની વયમર્યાદાના નિયમને સાંકળી લેતો એક અત્યંત રસપ્રદ કેસ હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં એવો વિશાળ કાનૂની સવાલ ઊઠાવાયો છે કે જો કોઇ બાળક છ વર્ષનું હોય અને તેણે કે.જી.ના વર્ગ ન ભર્યા તો શું એને સીધા ધો.૧માં જ પ્રવેશ આપવાનો આગ્રહ શાળા કરી શકે? ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ દ્વારા છ વર્ષ ત્રણ મહિનાની બાળકીને કે.જી.માં પ્રવેશનો ઇનકાર કરી તેને સીધા ધો.૧માં પ્રવેશનો આગ્રહ કરતાં આ મામલે હાઇકોર્ટમાં રિટ થઇ છે.

જેની સુનાવણીમાં જસ્ટિસ નિખિલ કરિઅલે એવી ટકોર કરી હતી કે,‘આપણામાંથી અનેક લોકો કે.જી. કર્યા વિના જ સીધા ધો.૧માં ભણ્યા હતા. જુનિયર કેજી અને સિનિયર કેજી જેવા ટ્રેન્ડ તો હવે આવ્યા છે.’

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ કરિઅલે એવી ટકોર પણ કરી હતી કે,‘આ કેસ અત્યંત સંવેદનશીલ છે. તેથી હાલ વચગાળાની રાહત આપી શકાય નહીં. કેસના મુખ્ય મુદ્દાનો નિકાલ કર્યા સિવાય જો વચગાળાના આદેશ કરી દેવામાં આવે તો દેશભરમાં હજારો-લાખો વાલીઓ હાઇકોર્ટના આદેશને ટાંકીને અરજીઓ કરશે અને એ એક ડિઝાસ્ટર થશે.’ કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે,‘શું આરટીઈ એક્ટ ‘રિવર્સ કટ-ઓફ’ની પરિકલ્પના કરે છે કે કેમ એવો સવાલ આ કેસમાં ઊભો થયો છે.

જે વિસ્તૃત કાયદાકીય છણાવટ માગી લેતો મુદ્દો છે. તેથી એમાં લંબાણપૂર્વકની સુનાવણીની જરૂર છે.’ હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે, ‘અરજદારની રજૂઆત છે કે અરજદાર માઇનર બાળકીને શાળા દ્વારા કિન્ડર ગાર્ડનમાં જોડાવવાની મંજૂરી અપાઈ નથી. બાળકી છ વર્ષની છે અને તેણે કેજી ન કર્યું હોવા છતાંય તેને સીધા ધો.૧માં જ પ્રવેશનો આગ્રહ શાળા દ્વારા કરાયો છે.

બીજી તરફ સરકારનું કહેવું છે કે આરટીઈની ધારા ૨(ક) (૩) (૪) (૫)ને વાંચવામાં આવે તો છ વર્ષથી મોટી વયના બાળકને એની ઉંમર પ્રમાણેના વર્ગ (એજ એપ્રોપિએટ ક્લાસ)માં પ્રવેશ આપવાની જોગવાઇ છે.

તેથી શાળાએ કોઇ ભૂલ કરી હોવાનું જણાતું નથી. આ રજૂઆતને ધ્યાનમાં લેતાં જણાય છે કે પ્રસ્તુત કેસની અસર સમગ્ર દેશ ઉપર પડી શકે તેમ છે. તેથી કોર્ટ હાલના તબક્કે કોઇ વચગાળાની રાહત આપી શકે નહીં. જોકે સરકાર તરફથી અપાયેલી બાહેંધરી મુજબ ડીઇઓ મહેસાણા સુનિશ્ચિત કરશે કે જો જરૂર જણાય તો શાળા દ્વારા બાળકીને સ્પેશિયલ ટ્રેનિંગ અપાશે.’

હાઇકોર્ટે વધુ સુનાવણી ૨૯ જુલાઇએ મુકરર કરી છે. બાળકીના વાલી તરફથી રિટ થઇ હતી. જેમાં એડવોકેટે દલીલ કરી હતી કે,‘ધો.૧માં કોઇ બેઝિક લ‹નગ હોતું નથી અને તેથી બાળકને જુનિયર કે સિનિયર કેજીમાં ફરજિયાતપણે જવું જ પડે છે. આવા તબક્કે જો બાળકે કેજીમાં અભ્યાસ ન કર્યો હોય અને તેને સીધા ધો.૧માં પ્રવેશ અપાય તો એના માટે એ મોટું નુકસાન થશે.’

સરકારની દલીલ હતી કે,‘આરટીઈના કાયદામાં એજ એપ્રોપિએટ એડમિશનની જોગવાઇ છે. બાળકની ક્ષમતાનું મૂલ્યાંકન કર્યા બાદ તેને સ્પેશિયલ ટ્રેનિંગ આપીને ધો.૧માં સમાવી લેવામાં આવે છે. અગાઉ પણ શાળાઓમાં ડબલ પ્રમોશનની પ્રથા હતી.’

સરકારે એક તબક્કે એવી રજૂઆત કરી હતી કે,‘પ્રસ્તુત કેસમાં બાળકીની ઉંમર છ વર્ષ અને ત્રણ મહિના છે. તેથી કાયદા મુજબ તેને કેજીમાં જવાની કોઇ જરૂર જ નથી. જુનિયર અને સિનિયર કેજી આજકાલ મશરુમની જેમ ફાટી નીકળ્યા છે અને વાલીઓના મગજમાં એ ઘૂસાડી દેવામાં આવ્યું છે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.