પંચામૃત નર્સિંગ ઈન્સ્ટિ.ની દાદાગીરી-ફી ન ભરી શકતા હોવ તો પ્રવેશ કેમ લીધો ?
અમદાવાદ, અમદાવાદના નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટની દાદાગીરી સામે આવી છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના વાલી પર ફી ભરવા બાબતે દબાણ કરવામાં આવ્યું. ‘ફી ના ભરી શકતા હોવ તો કેમ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો’ એવું કહી વાલીઓ સામે સંચાલકો દાદાગીરી કરી રહ્યાં છે. આ મામલે વાલીઓએ ઈન્સ્ટિટ્યૂટ પર પહોંચી વિરોધ કર્યો. લુહારી કામ કરતા વિદ્યાર્થીનીના પિતાએ ઈન્સ્ટિટ્યૂટથી ફી ભરવા સમય માગ્યો છતાંય સપ્ટેમ્બર પહેલા ૬૫ હજાર રૂપિયા ફરજીયાત ભરવા માટે કહેવામાં આવ્યું.
પિતાની આર્થિક સ્થિતિ અને ઈન્સ્ટિટ્યૂટની દાદાગીરી અને ફી ભરવાના દબાણથી પરેશાન થઈ વિદ્યાર્થીનીએ કહ્યું કે હવે મારે અભ્યાસ જ નથી કરવો. મળતી માહિતી મુજબ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ફી ભરવા દબાણ કરીને કહેવામાં આવ્યું કે પૂરી ફી નહીં ભરો તો પરીક્ષામાં નહીં બેસવા દઈએ. આખરે ઈન્સ્ટિટ્યૂટની જાેહુકમી સામે વાલીઓએ પોતે મેદાનમાં આવવું પડ્યું.