પંજાબ: કૃષિ કાયદા વિરુદ્ધ ચાર બિલ: ઠરાવ પસાર કરનાર પહેલું રાજ્ય
પંજાબ સરકારે કૃષિ સંબંધિત ચાર બિલો રજૂ કરવા માટે વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. વિશેષ સત્રના બીજા દિવસે કેન્દ્ર સરકારના ત્રણ કાયદાઓને નિષ્પ્રભાવી કરવા માટે ત્રણ બિલ રજૂ કરાયા હતા, જેને વિધાનસભાએ સર્વસંમતિથી પસાર કરી દીધા હતા.
મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ત્રણ બિલ રજૂ કર્યા હતા જ્યારે ચોથું બિલ નાણામંત્રી મનપ્રીતસિંહ બાદલે રજૂ કર્યું હતું. વિધાનસભામાં આ બિલો પસાર થયા પછી મુખ્યમંત્રી અમરિંદરસિંહે ખેડૂતોને રેલવે ટ્રેક ખાલી કરી દેવા અપીલ કરી છે. પંજાબમાં ટ્રેનોની આવાગમન ઠપ્પ થઈજવાથી રાજ્ય સરકારને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓની અસર રાજ્યમાં રોકવા માટે પંજાબ સરકાર જે ત્રણ બિલ લાવી છે, જેમાં ખેડૂતોની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. મંડીઓની બહાર ખરીદી કરનારાઓને કોઈ ટેક્સ નહીં કરવાની જોગવાઈ રોકવા માટે પંજાબ સરકારે તેના કાયદામાં કહ્યું છે કે પંજાબ રાજ્યમાં ક્યાંય પણ ઘઉં, ડાંગર અથવા ધાન્ય લઘુત્તમ ટેકાના ભાવથી ઓછા પર ખરીદી નહીં શકાય. કોઈ કંપની, કોર્પોરેટ વેપારી વગેરે આવું કરશે તો તેમને ૩ વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરાઈ છે.
જોકે, આ જોગવાઈમાં ૨.૫ કરોડ સુધીની જમીન ધરાવતા ખેડૂતોને મુક્તિ આપવામાં આવી છે તેમજ કૃષિ પેદાશોની સંગ્રાહખોરી અને કાળા બજારને પણ અટકાવવામાં આવ્યા છે.