પશ્ચિમ રેલવેએ બીજી સિદ્ધિ હાંસલ કરી; એક દિવસમાં 450.59 ટન ઓક્સિજનનું પરિવહન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/oxygen-train.jpeg)
દેશભરમાં વિભિન્ન રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવાના ભારતીય રેલવેના પ્રયાસોને વેગ આપતા પશ્ચિમ રેલવે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત જંગ માં મજબૂતી પ્રદાન કરવા તથા કોવિડ દર્દીઓ અને તેમના પરિવારને રાહત પ્રદાન કરવા લિકવિડ મેડિકલ ઓક્સિજન ના પરિવહન માટે 40 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી.
આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ગુજરાત થી દિલ્હી, યુપી, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી ચલાવવામાં આવી છે. 20 મે, 2021 ના રોજ પશ્ચિમ રેલવેએ એક દિવસમાં સૌથી વધુ 450 ટનથી વધુ ઓક્સિજન નું પરિવહન કર્યું હતું. પશ્ચિમ રેલવેએ ચાર ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવી હતી
જેમાં 24 ટેન્કર મારફતે 450.59 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કરવામાં આવી રહ્યું છે. આ 4 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોમાંથી 2 ટ્રેનો ગુજરાતના કનાલુસ થી બેંગલુરુ અને 2 ટ્રેનો ગુજરાતના હાપા થી દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી એક પ્રેસ રિલીઝ માં જણાવ્યું છે કે પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં 40 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરી છે અને આ ટ્રેનોમાં લગભગ 3737 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) 196 ટેન્કર મારફતે પરિવહન કરવામાં આવ્યું છે.
21 મે, 2021 ના રોજ એક ઓક્સિજન એક્સપ્રેસ હાપાથી ગુજરાતમાં દિલ્હી જવા રવાના થઈ હતી, જેમાં 6 ટેન્કર મારફતે 110 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કરવામાં આવ્યું હતું. 1105 કિમીનું અંતર કાપ્યા બાદ ટ્રેન તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.
20 મે, 2021 સુધીમાં, ભારતીય રેલવેએ વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર (521 મેટ્રિક ટન), ઉત્તર પ્રદેશ (3189 મેટ્રિક ટન), મધ્યપ્રદેશ (521 મેટ્રિક ટન), હરિયાણા (1549 મેટ્રિક ટન), તેલંગાણા (772 મેટ્રિક ટન), રાજસ્થાન (98 મેટ્રિક ટન) કર્ણાટક (641 મેટ્રિક ટન), ઉત્તરાખંડ (320 મેટ્રિક ટન) તમિલનાડુ (584 મેટ્રિક ટન), આંધ્રપ્રદેશ (292 મેટ્રિક ટન), પંજાબ (111 મેટ્રિક ટન), કેરળ (118 મેટ્રિક ટન) અને દિલ્હી (3915 મેટ્રિક ટન થી વધુ) ને 775 ટેન્કર મારફતે 12630 મેટ્રિક ટન થી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવ્યો છે.