પાંચ મહિનાના બાળકને બેગમાં મૂકી પિતા ફરાર
અમેઠી, જરા વિચારો એ પિતાની મજબૂરી, જેને પોતાના પાંચ મહિનાના બાળકને લાવારિશ છોડવું પડ્યું. કોઇની પણ માટે પોતાના જીગરના ટુકડાને આમ રેઢું મૂકવું સરળ હોતું નથી. દિલ પર પત્થર મૂકીને આમ કરવું પડે છે. એક પિતા મજબૂર હતો, પરિસ્થિતિથી હારેલો હતો. તેની પાસે કોઇ રસ્તો રહ્યો નહોતો. આખરે તેણે પોતાના બાળકને એક બેગમાં પેક કર્યું, થોડાંક પૈસા મૂકયા અને એક ભાવુક ચિઠ્ઠી લખી. પત્રમાં લખ્યું કે પૈસા મોકલતો રહીશ થોડાંક મહિના માટે મારા બાળકનો ઉછેર કરજો. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં આવો જ એક મામલો સામે આવ્યો છે.
અમેઠી પોલીસને એક પાંચ મહિનાનું બાળક બેગમાંથી મળ્યું છે. મુંશીગંજ ક્ષેત્રના ત્રિલોકપુર વિસ્તારમાંથી પોલીસને આ બાળક મળ્યું. બેગમાંથી રડવાનો અવાજ આવ્યા બાદ પીઆરવીને તેની માહિતી આપવામાં આવી હતી. તેના આધાર પર પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી તો બેગની અંદરથી બાળક મળ્યું. જો કે વાત એમ છે કે યુપી પોલીસની હેલ્પલાઇન ૧૧૨ પર બુધવારના રોજ એક બાળક બેગમાં હોવાનો રિપોર્ટ મળ્યો હતો. માહિતી મળતા યુપી પોલીસની એક ટીમ કોતવાલી મુંશીગંજ ક્ષેત્રના ત્રિલોકપુર વિસ્તારમાં રહેતા આનંદ ઓઝાના ઘરે પહોંચી.
પોલીસના સૂત્રોનું કહેવું છે કે અહીં પર એક બેગમાંથી બાળકના રડવાનો અવાજ આવ્યા બાદ લોકોએ કંટ્રોલ રૂમને આની માહિતી આપી હતી. સ્થળ પર પહોંચેલી ટીમે જ્યારે બેગ ખોલી તો તેમાં એક બાળકની સાથે કપડા, જૂતા, ૫૦૦૦ રૂપિયા અને અન્ય જરૂરી વસ્તુ નીકળી. આ બધાની સાથે જ એક ચિઠ્ઠી પણ મળી જો કે કથિત રીતે બાળકના પિતાની તરફથી લખાયેલી છે. પિતાએ પત્રમાં લખ્યું આ મારો દીકરો છે તેને હું તમારી પાસે છ-સાત મહિના માટે છોડી રહ્યો છું.
અમે તમારા અંગે ઘણું સારું સાંભળ્યું છે, આથી હું તમારી પાસે મૂકી જાઉં છું. ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું હું ૫૦૦૦ મહિનાના હિસાબથી તમને પૈસા મોકલતો રહીશ. તમને હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપ્યા આ બાળકની સંભાળ રાખજો. મારી ફેમિલીમાં તેના માટે ખતરો છે, આથી ૬-૭ મહિના સુધી તેને તમારી પાસે રાખજો. બધુ જ બરાબર કરીને હું પાછો તમારી પાસેથી મારા બાળકને લઇ જઇશ. તમને વધુ પૈસાની જરૂર હોય તો મને જણાવી દેજો.
પીઆરવી એ બાળક મળ્યાની માહિતી કોતવાલી પોલીસ સ્ટેશનના મિથિલેશ સિંહને આપી. બાળકને એ શખ્સને સુપુર્દ કરવાનો આદેશ આપ્યો જેમણે ફોન કરીને આ માહિતી પોલીસને આપી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બાળકને દેખરેખ માટે કૉલરની પાસે જ છોડી દેવામાં આવ્યું છે. આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે આ બાળક કોનું છે અને કોણ તેને આ રીતે અહીં છોડી ગયું છે? સાથો સાથ પોલીસ બાળકની સાથે મળેલી ચિઠ્ઠીની સચ્ચાઇની પણ ભાળ મેળવી રહ્યું છે.SSS