Western Times News

Gujarati News

જાે બિડેનની અમેરિકી પ્રમુખપદ તરફ આગેકૂચ, ટ્રમ્પ માટે મુશ્કેલી

ચૂંટણીના પરિણામોને ટ્રમ્પે ત્રણ રાજ્યોની કોર્ટમાં પડકાર્યા, વિસ્કોન્સિનમાં ફેરગણતરીની માગ, ઠેર-ઠેર ટ્‌ર્મ્પના સમર્થનમાં દેખાવો, હિંસાની ભીતિ

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ બનશે તે અંગે હજુ પણ ચિત્ર સ્પષ્ટ નથી થયું. મતગણતરી હજુ ચાલી રહી છે અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન રેસમાં આગળ ચાલી રહ્યા છે. ૫૦ સ્ટેટમાંથી ૫૩૮ કુલ ઈલેક્ટોરલ વોટ પૈકી રાષ્ટ્રપતિ બનવા માટે ૨૭૦ ઈલેક્ટોરલ વોટ મેળવવાની જરૂર રહે છે. રિપ્લિકન પાર્ટીના નેતા તેમજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલેક્શનના પરિણામોમાં ગોલમાલની આશંકા વ્યક્ત કરતા કેટલીક કોર્ટમાં પરિણામ સામે કેસ દાખલ કર્યો છે. બન્ને નેતાઓ પોતાને વિજેતા જાહેર કરી રહ્યા છે. છેલ્લી મળેલી વિગતો મુજબ જો બિડેને ૨૬૪ ઈલેક્ટોરલ વોટ મેળવ્યા છે.

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ૨૧૪ ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. હજુ પણ પોસ્ટલ બેલેની ગણતરી ચાલી રહી છે. કોરોના મહામારીને પગલે આ વખતે પોસ્ટલ બેલેટનો ધોધ વહ્યો હતો અને તેની ગણતરી ચાલુ છે. થોડા જ રાજ્યોની ગણતરી બાકી હોવાથી હવે ટૂંક સમયમાં સત્તાવાર રીતે વિજેતાની જાહેરાત થવાની સંભાવના છે. ઐતિહાસિક ચૂંટણીમાં જો બિડેનને ૭.૨ કરોડ મત મળ્યા છે જે અત્યાર સુધીમાં કોઈપણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મળેલા સૌથી વધુ મત છે. જ્યારે બીજીતરફ ડોનાલ્ડ ટ્રમ્પને ૬.૮ કરોડ મત મળ્યા છે. દરમિયાન અમેરિકામાં અનેક સ્થળોએ લોકોએ ટ્‌ર્મ્પના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા છે તથા આ દરમિયાન હિંસાનો ભય સેવવામાં આવી રહ્યો છે.

અગાઉ ટ્રમ્પ તેમજ બિડેને કેટલાક મહત્વના રાજ્યોમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. મંગળવારે યુએસ રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી સંપન્ન થઈ હતી અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવી છે. ચાર રાજ્યો જ્યોર્જિયા, પેનસિલ્વેનિયા, નોર્થ કેરોલિના અને નેવાડાના પરિણામ હજુ જાહેર થવાના બાકી છે. આ વખતે કોરોના મહામારીને પગલે કેટલાક સપ્તાહ અગાઉ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન શરૂ કરાયું હતું. ત્યારબાદ નવેમ્બરના પ્રથમ મંગળવારે ચૂંટણીનું મુખ્ય મતદાન થયું હતું.

ડેમોક્રેટ અથવા રિપબ્લિકન પાર્ટીના કોઈપણ નેતાને સ્પષ્ટ ૨૭૦ ઈલેક્ટોરલ મત હજી સુધી મળ્યા નથી. રાજકીય વિશ્લેષકોના મતે જો બિડેન આ વખતે પ્રમુખ પદ માટેની રેસમાં આગળ જણાય છે. યુએસના મીડિયાના એક્ઝિટ પોલમાં પણ જો બિડેનની રાષ્ટ્રપતિ તરીકે તાજપોશી થવાનો વર્તારો વ્યક્ત કરાયો હતો. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેની બીજ ટર્મ માટે તમામ ચાર રાજ્યોમાં વિજય મેળવવો ફરજિયાત છે. જ્યોર્જિયામાં હજુ પણ ૯૦,૭૩૫ બેલેટની ગણતરી થવાની બાકી છે. આ સ્ટેટમાં ૧૬ ઈલેક્ટોરલ વોટ રહેલા છે.

બુધવારે જો બિડેને એવો દાવો કર્યો હતો કે એક વખત મતગણતરી સંપન્ન થશે ત્યારબાદ અમારો વિજય થશે તેવું હું માનું છું. જ્યારે ટ્રમ્પ કેમ્પેઈનને વરિષ્ઠ અધિકારી જેસન મિલર જણાવ્યું હતું કે એકાદ સપ્તાહમાં મતણતરી પૂર્ણ થશે અને ત્યારબાદ લોકોને સ્પષ્ટ થશે કે રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ તેમજ ઉપરાષ્ટ્રપતિ તરીકે પેન્સની પુનઃ ચાર ટર્મ માટે નિયુક્તી થઈ છે. બુધવારે મતગણતરી ચાલુ હતી તે સમયે પણ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પોતાના વિજયની જાહેરાત કરી હતી. ટ્રમ્પે અગાઉ ચૂંટણીમાં ગોલમાલ થઈ હોવાનું રટણ કરીને આ મામલે સુપ્રીમ કોર્ટમાં દાવો કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ દ્વારા ત્રણ રાજ્યો મિશિગન, જ્યોર્જિયા અને પેનસિલ્વેનિયા કોર્ટમાં મતગણતરીને લઈને દાવો માંડ્યો છે. જ્યારે વિસ્કોન્સિનમાં ટ્રમ્પે ફેર ગણતરી કરવાની માંગ કરી છે. મંગળવારે યાજાયેલી યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છેલ્લા ૧૨૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ઊંચંો ૬૬.૯ ટકા મતદાન થયાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.