પાકિસ્તાનમાં ઘૂસી આતંકવાદીઓ પાસેથી ઈરાન 2 સૈનિકો છોડાવી ગયું
નવી દિલ્હી, પાકિસ્તાનમાં પર ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ વખતે ઈરાને પાકિસ્તાનમાં પ્રવેશ કરી આતંકવાદીઓને ઠાર કર્યા છે અને તેના બે સૈનિકોને મુક્ત કર્યા છે. આ સાથે ઈરાન પાકિસ્તાનની સીમાની અંદર આતંકવાદીઓને ઠાર મારનાર ત્રીજો દેશ બન્યો છે. અમેરિકા અને ભારત આ પહેલા પણ કરી ચૂક્યા છે. બુધવારે રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે આ ઓપરેશનમાં ઘણા પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે, જે આતંકવાદીઓને કવર ફાયર આપી રહ્યા હતાં.
એવું જાણવા મળ્યું છે કે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઈઆરજીસી) એ બાતમીના આધારે પાકિસ્તાનની અંદર જઇને ઓપરેશન હાથ ધર્યું હતું. આમાં તેણે પોતાના બે સૈનિકોને પણ પાકિસ્તાનના કબજામાંથી બચાવ્યા છે. આઈઆરજીસી સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ઈરાની સૈનિકોએ પાકિસ્તાનના ગેરકાયદેસર રીતે કબજે કરેલા બલુચિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો અને તેમના સૈનિકોને જેશ અલ-અદાલના કબજામાંથી મુક્ત કર્યા હતાં.