પાર્થ સમથાન “કસૌટી જિંદગી કી ૨” બંધ થવાનું હોવાથી દુઃખી છે
મુંબઈ: “કસૌટી જિંદગી કી ૨” ૩ ઓક્ટોબરે ઓફ-એર થઈ જવાની છે. એકતા કપૂરની આ સીરિયલ ટેલિવિઝનના ટોપ ફેવરિટ શોમાંથી એક હતી. એરિકા ફનાર્ન્ડિસ (પ્રેરણા શર્મા) અને પાર્થ સમથાન (અનુરાગ બાસુ) સ્ટારર સીરિયલ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮માં લોન્ચ થઈ હતી. હવે જ્યારે આ સીરિયલ બંધ થવાની છે
ત્યારે પાર્થ સમથાને સીરિયલ અને પોતાની જર્ની વિશે વાત કરી હતી. સ્પોટબોય સાથે વાતચીત કરતાં પાર્થ સમથાને કહ્યું કે, ‘કસૌટી જિંદગી કી સીરિયલમાં કામ કરીને એક્ટર અને વ્યક્તિ તરીકે મારો વિકાસ થયો છે.
હું એકતા કપૂર, ચેનલ, મારા કો-સ્ટાર્સ અને તે અદ્દભુત વ્યક્તિઓનો આભાર માનવા માગુ છું જેમણે મને સારુ જીવન આપ્યું અને કામ કરતાં શીખવ્યું. સૌથી મહત્વનું, બે વર્ષ પહેલા મને આ તક આપવા માટે આભાર. આ લોકો સિવાય, આજે હું જે વ્યક્તિ છું તે ન હોત. આવી સુંદર જર્નીનો ભાગ બનવું તે દરેક વ્યક્તિના નસીબમાં હોતું નથી. અનુરાગ બાસુના પ્રેમમાં પડવા બદલ અને શોના અંત સુધી તેને સપોર્ટ કરવા બદલ ફેન્સનો પણ ખૂબ-ખૂબ આભાર. હું ઘણુ બધુ મિસ કરવાનો છું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પાર્થ સમથાન શો છોડી દેવાનો હતો. તે પોતાના અન્ય પ્રોજેક્ટ્સ પર ફોકસ કરવા માગતો હતો. જો કે, બાદમાં એકતા કપૂરે તેની ફી વધારવા સહિતની માગણીઓ સ્વીકારતા તેણે શો છોડવાનો ર્નિણય પડતો મૂક્યો હતો. જેના થોડા દિવસ બાદ મેકર્સે સીરિયલ બંધ કરવાની જાહેરાત કરી હતી.
કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે, મેકર્સ સીરિયલની સતત ઘટી રહેલી ટીઆરપીથી ખુશ નહોતા, આ સિવાય અન્ય ટાઈમ સ્લોટ પણ ફાળવવામાં આવ્યો હતો. કસૌટી જિંદગી કી ૨ની પહેલી સીઝને ૧૦ વર્ષ સુધી ટીવી પર રાજ કર્યું હતું. જેમાં શ્વેતા તિવારી, રોનિત રોય અને ઉર્વશી ધોળકિયાએ લીડ રોલ પ્લે કર્યો હતો.
જ્યારે બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી ત્યારે ફેન્સ ખુશ થઈ ગયા હતા. સીરિયલનો પ્રોમો શાહરુખ ખાને લોન્ચ કર્યો હતો. આટલું જ નહીં એરિકા અને પાર્થનું સ્ટેચ્યૂ દેશના ૧૦ શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.