PM તરીકે મળેલી ભેટ-સોગાદો ઈમરાનખાને વેચી મારી
નવી દિલ્હી, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પર તેમને વિદેશોમાંથી મળેલી ભેટ સોગાદો વેચી દેવાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ આરોપના પગલે ઈમરાન ખાન વિવાદોમાં ફસાતા નજરે પડી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્ર મરિયમ નવાઝે આરોપ લગાવ્યો છે કે, ઈમરાનખાને સરકારી ખજાનામાં જમા થતી ભેટ સોગાદો લૂટી લીધી છે. કોઈ વ્યક્તિ આ હદે અસંવેદનશીલ, મુક-બધિર અને અંધ કેવી રીતે હોઈ શકે?
બીજી તરફ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને પણ આરોપ લગાવ્યો છે કે, એવુ સંભળાઈ રહ્યુ છે કે, પીએમ ઈમરાન ખાને ગલ્ફના એક દેશના પ્રિન્સ દ્વારા અપાયેલી લગભગ 10 લાખ ડોલરની ઘડિયાળ વેચી દીધી છે. એવુ કહેવાય છે કે, આ ઘડિયાળ પોતાના એક દોસ્ત મારફતે ઈમરાનખાને દુબઈમાં વેચી દીધી છે અને આ રકમ ઈમરાનખાનને આપી પણ દેવાઈ છે. જો આ વાત સાચી હોય તો તે શરમજનક છે.
પાકિસ્તાનના નિયમો પ્રમાણે પીએમને મળતી ગિફ્ટ દેશની સંપત્તિ કહેવાય છે અને તેની હરાજી કરવામાં આવે છે. જોકે 10000 રૂપિયાથી ઓછી કિંમતની ગિફ્ટ મળે તો અધિકારીઓ પોતાની પાસે રાખી શકે છે. ભારતમાં પીએમ મોદીને મળતી ભેટ સોગાદોની નિયમિત રીતે હરાજી કરવામાં આવતી હોય છે અને આ રકમ સરકારમાં જમા થતી હોય છે.