પુરવઠા વિભાગની પહેલ: નિયત્રિંત વિસ્તારના ગામોમાં રાશન હોમ ડિલીવરી કરાઇ

અરવલ્લીના વાદી-મદારી અને ગરીબોના ઘર-ઘર સુધી પંહોચ્યું રાશન
દેશમાં કોરોના વાયરસની અસરને લઇ સમગ્ર દેશના કાર્ડધારકોને મફત અનાજ વિતરણ સતત ત્રણ માસથી થઇ રહ્યુ છે. જેમાં કોરોના અસરગ્રસ્ત ગામોમાં જઇ લોકોને ઘર આંગણે રાશન મળી રહે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરાઇ છે. જેમાં અરવલ્લીના ૫૦થી વધુ ગામના લોકોને ઘર આંગણે રાશન પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાનો આંક ૨૦૦ ને પાર પંહોચતા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય મળી અત્યાર સુધી ૧૬૦થી વધુ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલ ૫૦થી વધુ ગામોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, આ નિયત્રિંત વિસ્તારમાં સંક્રમણના વધે તેના ચુસ્ત અમલ માટે ગામલોકોના અવર-જવર પર પ્રતિબંધ સહિત હોમ ડિલીવરી સર્વિસ સુનિશ્ચિત કરાઇ છે.
જેમાં અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરની માર્ગદર્શનથી નિયત્રિંત વિસ્તારમાં માત્ર ખાનગી દુકાનધારકો જ નહિ ખુદ સરકારીતંત્ર પણ હોમ ડિલીવરી સર્વિસ શરૂ કરી લોકોની મુશ્કેલીમાં ઘટાડો કર્યો છે. જેમાં મેઘરજના અતિપછાત વાદી-મદારી કે ગરીબ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ મળી રહ્યો છે.