Western Times News

Gujarati News

પેટ્રોલ પંપો-હોટલો તથા જાહેર સ્થળોએ રેકોર્ડીંગ સીસ્ટમ સાથે CCTV કેમેરા રાખવા ફરજિયાત

પ્રતિકાત્મક

અમદાવાદ શહેરમાં ચોરી લૂંટ- બોંબ ધડાકા જેવી ઘટનાઓ આચરી જાનહાની તથા મિલ્કતોને હાનિં પહોંચાડનારા તત્વો આવી અસામાજિક પ્રવૃત્તિ આચર્યા બાદ અમુક અંતરે જઈ પેટ્રોલ પંપ પર બળતણ ભરાવવા અથવા તો હોટલો પર ચા-પાણી કરતા કે જમવા રોકાતા હોય છે.

અવા ગુનાઓ શોધવા માટે મહત્વની કડી બને તે માટે પેટ્રોલ પંપો, હોટલો, તેમજ જાહેર અવર જવર વાળા સ્થળોએ સીસીટીવી કેમેરા ( નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) રેકોર્ડીંગ સિસ્ટમ સાથે મુકવા જરૂરી છે.  સાથે સાથે ગુનેગારો દ્વારા ગુનામાં વપરાયેલ વાહનો આઈડેન્ટીફાઈ કરીને ગુનેગાર વિરુધ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો મુકી શકાય

તે માટે અમદાવાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પરિમલ પંડ્યાએ એક જાહેરનામા દ્વારા  અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં સીસીટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) રેકોર્ડીંગ સિસ્ટમ સાથે મુકવા ફરજિયાત બનાવ્યા છે.

આ જાહેરનામા અન્વયે અમદાવાદ જિલ્લાના મહેસૂલી વિસ્તારની હકૂમતમાં આવેલ તમામ પેટ્રોલ પંપો, શોપીંગ સેન્ટર, કોમર્શિયલ સેન્ટર, હોટલ, ગેસ્ટ હાઉસ, અતિથી ગૃહ, વિશ્રામ ગૃહ, બહુમાળી બિલ્ડીંગ, વધારે ભીડભાડ વાળા વિસ્તારો તેમજ ટોલ પ્લાઝાના માલિકો ઉપભોકતા/ વહીવટ કર્તાઓએ ગાડીના નંબર દેખાય,

ડ્રાઈવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડીંગ થાય, આવતી જતી વ્યક્તિ તથા વાહનોની ઓળખ થઈ શકે તે રીતે અને ૧૫ દિવસ સુધી રેકોર્ડીંગ રહી શકે તેવી વ્યવસ્થા સાથેના સીસીટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) રેકોર્ડીંગ સિસ્ટમ સાથે પુરતા પ્રમાણમાં મુકવાના રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ હુકમ અન્વયે અમદાવાદ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા વિભાગીય પોલીસ અધિકારીશ્રીના દરજ્જાથી પોલીસ ઈન્સ્પેકટર સુધીના હોદ્દા ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામામો ભંગ કરનાર ઈસમો સામે ઈ.પી.કો.કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ-૧૧૭ મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમ તા- ૬/૧૦/૨૦૨૧ સુધી અમલમાં રહેશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.