પેસેન્જર ઉતારવા ગયેલા રિક્ષા ચાલકને મળ્યું મોત
અમદાવાદ, શહેરમાં ગુનાખોરીના બનાવો બનતા રહે છે. તાજેતરમાં બનેલા એક બનાવમાં એક રિક્ષા ચાલકે જીવ ગુમાવ્યો છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં પેસેન્જર ઉતારવા માટે ગયેલા રિક્ષા ચાલકને અજાણ્યા યુવકે છરી મારી દીધી હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
ઈસનપુર વિસ્તારમાં રહેતા કિશન ધંધુકિયાએ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, ગઇકાલે રાત્રે આઠેક વાગ્યાની આસપાસ તેમની માતાના મોબાઈલ પર ફોન આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમના પતિને કોઈએ પેટના ભાગે છરી મારી દીધી છે.
જે બાદમાં ફરિયાદી માતા સાથે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ ખાતે તેઓના મામાએ જણાવ્યું હતું કે તેમના પિતા સાંજે સાતેક વાગ્યાની આસપાસ આંબાવાડી સી.એન.વિદ્યાલય ખાતે પેસેન્જર ઉતારવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈએ પેટના ભાગે છરી જેવું હથિયાર મારી દીધું હતું. જેથી તેઓ બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સિવિલ ખાતે ઓપરેશન પૂર્ણ થયા બાદ તેઓને બહાર લાવવામાં આવ્યા હતા. આ બનાવ કેવી રીતે બન્યો અને કોણે તેમને છરી મારી છે તે અંગે પૂછવાનો પ્રયત્ન કરતા તેમને દુઃખાવો થયો હતો અને તેઓ કંઈ જણાવી શક્યા ન હતા. બાદમાં વહેલી સવારે તેઓને જગાડવા માટેનો પ્રયત્ન કરતા તેઓ જાગ્યા ન હતા.
તપાસ કરતા ફરજ પરના હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.SS1MS